મોરબીઃ જિલ્લાના હળવદમાં રખડતા ઢોર અને આખલાં રોડ-રસ્તાઓ પર તરખાટ મચાવતા હોય છે. ત્યારે શહેરના સરકારી હોસ્પિટલમાં આખલો ઘૂંસી જતા હોસ્પિટમાં દાખલ દર્દીઓ, તેમના સગાવ્હાલાઓ અને તબીબોમાં નાસભાગ મચી ગઈ હતી. બે-ત્રણ કલાકની જહેમત બાદ આખલાને હોસ્પિટલમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ હળવદની સરકારી હોસ્પિટલમાં આવેલા દવા રૂમમાં દવા રૂમનો દરવાજો ભુલથી ખુલ્લો રહી ગયો હતો. દરમિયાન ત્યાં આખલો ઘૂંસી ગયો હતો. જેના પગલે લોકોમાં અને આરોગ્ય વિભાગના સ્ટાફમાં દોડધામ મચી જવા પામી હતી. બેથી ત્રણ કલાકની ભારે જહેમત બાદ આખલાને બહાર કઢાતાં સરકારી હોસ્પિટલના સ્ટાફે અને દર્દીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. હળવદ તાલુકામાં ટીકર ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની દવાઓ હળવદની સરકારી હોસ્પિટલના રૂમમાં રાખવામાં આવે છે. ત્યારે ગઇકાલે સાંજે હોસ્પિટલથી પરત જતાં સ્ટાફના માણસોથી રૂમનો દરવાજો બંધ કરવાનું ભુલી જતા એક ખુંટીયો રૂમમાં આવી જતાં દવાના બોક્સ અને દવાઓ ખાવા લાગ્યો હતો. જેના કારણે હોસ્પિટલના સ્ટાફમાં દોડધામ મચી જવા પામી હતી. સંભવિત બેથી ત્રણ કલાકની ભારે મહેનત બાદ તેને બહાર કાઢવામાં આવ્યો હતો. પરંતુ આ દવાઓ ખરાબ થઈ ગઈ હતી. ત્યારે આ બેદરકારીને પગલે આરોગ્ય વિભાગના જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે, તેવી હળવદવાસીઓમાં માંગ ઉઠવા પામી છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, હળવદમાં રખડતા ઢોરનો ત્રાસ છે, ઢોર રોડ પર અડ્ડો જમાવીને બેસી રહેતા હોવાથી ટ્રાફિકને પણ અડચણ પડે છે. તંત્રને સ્થાનિક લોકો દ્વારા અવાર-નવાર રજુઆતો કરવામાં આવે છે, છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી.