Site icon Revoi.in

બિઝનેસ ઑફ વોર અને મિલિટરી ઇન્ડસ્ટ્રિઅલ કૉમ્પ્લેક્ષ

Social Share

(સ્પર્શ હાર્દિક)

ક્રિસ્ટોફર નોલનની અદ્ભુત અને કલ્ટ સાબિત થયેલી ‘ધી ડાર્ક નાઇટ’ ફિલ્મમાં વિલન પાત્ર જૉકરના દ્વારા જ્યારે અરાજકતા વધી જવા પામે છે ત્યારે બૅટમેનનો સાથીદાર અને બટ્લર આલ્ફ્રેડ એક સંવાદ બોલે છે, “કેટલાક માણસો ફક્ત દુનિયાને સળગતી જોવા માંગે છે.” રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ હોય કે ઇઝરાયેલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ, જાનહાની અને તબાહી બંને પક્ષે થાય છે, પરંતુ ફાયદો મળે છે એમને જેને વિશ્વ સળગતું રહે એમાં જ રસ છે. આમાં આવે છે હથિયારોનો વેપાર કરતા માણસો અને એવી કંપનીઓ. 

ડોનલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ હતા ત્યારે વિશ્વમાં અત્યારના જેટલી અરાજકતા ન હતી એ સૌ કોઈ સ્વીકારશે. મૂળ એક વેપારી માણસ હોવાથી એમને વેપારમાં વધુ રસ હતો એવું મહત્તમ લોકોનું તારણ કહેતું હતું. એમને યુદ્ધમાં ઓછો રસ હતો, કેમ કે અશાંતિ વચ્ચે વેપાર ન પાંગરી શકે. જ્યાં કાયમ રમખાણો થતાં હોય, હિંસા અને અપરાધો સામાન્ય ઘટના ગણાતી હોય એવા વિસ્તારમાં સમજદાર માણસ પોતાની ફેક્ટરી કે બિઝનેસ નાખતા પહેલાં સો વાર વિચાર કરે. અમેરિકામાં ‘બિઝનેસ ઑફ વોર’માં રસ ધરાવતી તાકતવર લૉબીને ટ્રમ્પ ખાસ માફક ન આવતા એમને નબળા પાડવામાં, એમની છબિ ખરાબ કરવામાં કશું જ બાકી ન રાખવામાં આવેલું અને અંતે ફરી સત્તા એવા લોકોના હાથમાં આવી જે લોહી ચાખી ગયેલા જાનવર જેવી ડિફેન્સ ઇન્ડસ્ટ્રીની સેવા માટે તત્પર રહે છે. 

આ બધામાં આપણને, અર્થાત ભારતીયોને શા માટે રસ પડવો જોઈએ? એમાં આપણો ફાયદો શું? હા, ફાયદો છે. ડોનલ્ડ ટ્રમ્પનું વેપારી સંબંધોને પ્રાથમિકતા આપતું વલણ ભારત જેવા આર્થિક દૃષ્ટિએ તાકતવર બનવા ઇચ્છુક દેશને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ફાયદો કરાવે એવું હતું. ઉપરાંત, ૨૦૧૮માં ટ્રમ્પે પાકિસ્તાનને મળતી સહાય બંધ કરી દીધેલી, જેના આધારે ત્યાં દાયકાઓથી આતંકવાદનું ઝેર ઊગાડવામાં આવતું. રશિયા સાથે ટ્રમ્પને સંબંધો સુધારવામાં રસ હતો. એના અને અમેરિકા વચ્ચેના સંબંધો ઓછા તંગ રહે તો આપણા માટે બંને વચ્ચે સંતુલન બનાવવું થોડું સરળ બને.

જોકે, યુદ્ધ સિવાયના વેપારમાં વધારે રસ હોય એવી સરકારથી વિશ્વમાં વધુ શાંતિ પ્રવર્તે એ વાતને સાવ કિનારે કરીને નેરેટિવની ગેમમાં ટ્રમ્પ વિરોધી તાકતો જીતી ગઈ. અંતે જેવી અમેરિકામાં સત્તા પલટાઈ, રશિયા સાથેના સંબંધોમાં તાણ વધ્યું અને યુક્રેનની સરહદે યુદ્ધ સગળ્યું. ત્યાં હજુ કોઈ પરિણામ દેખાઈ નથી રહ્યું એવામાં ઇઝરાયેલ નવાં જંગમાં કૂદ્યું કે એને એમાં ધકેલવામાં આવ્યું. જીઑપૉલિટિક્સમાં કોઈ પણ પ્રકારની મોટી ઘટનાઓ જન્મે ત્યારે કાયમ એ સવાલ પૂછવામાં આવે છે કે અંતે એનાથી ફાયદો કોને થવાનો? વારુ, અહીં જેને ફાયદો થઈ રહ્યો છે, એ છે યુ.એસ.નું મિલિટરી ઇન્ડસ્ટ્રિઅલ કૉમ્પ્લેક્ષ. અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ બાઇડનની ઉંમર અને એને કારણે સરકાર સંભાળવાની અક્ષમતાના પુરાવાઓ દુનિયા સામે હાજર છે. વિશ્વના સૌથી તાકતવર દેશના વડા આસપાસનું પણ ભાન ન હોય એમ હવામાં કોઈની સાથે હાથ મિલાવતા હોય એ હાસ્યાસ્પદ ઘટના બની જાય છે. આવા સમયે ઘણા બધા સવાલો જન્મે છે કે, અમેરિકા જેવા દેશને ખરેખર ચલાવે છે કોણ? કોણ પડદા પાછળ રહીને નિર્ણયો લેવાની પ્રક્રિયાને પ્રભાવિત કરે છે? કોઈને એમ લાગે છે કે પેન્ટાગોનમાંથી અત્યારે બધાં જ અગત્યના નિર્ણયો લેવાઈ રહ્યા છે. બાઇડને જ્યારે રશિયા અને પુતિનના સંભવિત કે કથિત વૉર ક્રાઇમ અંગેના પુરાવાઓ ઇન્ટરનેશન ક્રિમિનલ કૉર્ટમાં પેશ કરવાનો હુકમ આપેલો ત્યારે પેન્ટાગોને એ હુકમને અટકાવી દીધેલો. પેન્ટાગોન પાસે હાલ બાઇડનના કરતાં વધુ શક્તિ છે એ શંકા તરફ આ ઘટના ઇશારો કરે છે. 

કોઈને અત્યારે ચાલતી બધી જ અરાજકતા પાછળ આદમકદના મિલિટરી ઇન્ડસ્ટ્રિઅલ કૉમ્પ્લેક્ષની ભૂમિકા દેખાય છે. હમાસ જેવા શત્રુઓ સામે લડવા ઇઝરાયેલને સાથ આપવા પ્રતિબદ્ધતા દેખાડનાર અમેરિકા સામે સવાલો ઊભા થયા કે શું એ એકસાથે બે યુદ્ધને ફન્ડ કરી શકે છે? જો એવું કરવા જાય તો આર્થિક ભારણ અસહ્ય બને. યુક્રેનનું આમ પણ ખાસ મહત્વ રહ્યું નથી અને ઇઝરાયેલ અત્યારે વધારે સંકટમાં છે એટલે એને સહાય કર્યા સિવાય છૂટકો નથી. પરંતુ શું એ માટે જરૂર પડે તો અમેરિકા યુક્રેનને સાવ પડતું મૂકવા તૈયાર થશે? નિર્ણય જે કંઈ પણ લેવાય, ફાયદો ચૂંટણી સમયે પક્ષોને સારું એવું ભંડોળ આપતી લૉકહીડ માર્ટિન, રૅથિયોન, જનરલ ડાયનેમિક્સ, નોર્થોપ ગ્રુમન અને બૉઇંગ જેવી પાંચ સૌથી મોટી ડિફેન્સ અને મિલિટરી ક્ષેત્રની કંપનીઓને થવાનો એ નક્કી. 

જનમાનસ પર સારી છાપ પડે એ માટે પણ આ કંપનીઓ ફિલ્મ જેવા માધ્યમનો ગુપ્ત રીતે ઉપયોગ કરી જાણે છે. હોલિવૂડની વૉર ફિલ્મો અમેરિકાના લડી લેવાના જુસ્સાને સારી રીતે ડિલિવર કરતી આવી છે, પરંતુ લાંબા સમયથી આવી કોઈ નોંધપાત્ર ફિલ્મ ન આવેલી અને ગયા વર્ષે ‘ટૉપ ગન મેવરિક’ ફિલ્મે એ અવકાશ ભર્યો. અત્યંત પ્રસિદ્ધિ પામેલી અને મિલિટરી ઇન્ડસ્ટ્રિઅલ કૉમ્પ્લેક્ષની સમર્થક તરીકે ઓળખાયેલી એ ફિલ્મના નિર્માણમાં પેન્ટાગોન અને લૉકહીડ માર્ટિને મદદ કરેલી. આવી ફિલ્મો ખાસ કરીને અમેરિકન દર્શકોના અજાગ્રત મનમાં એ વિચાર રોપવામાં સફળ થાય છે કે હજુ પણ પોતાના દેશ સામે જ્યારે જોખમ આવે ત્યારે એને નાબૂદ કરવા માટે કાયમ ડિફેન્સ ક્ષેત્રને ખવડાવી-પીવડાવી હૃષ્ટપુષ્ટ રાખવું પડશે. 

અલબત્ત, ડિફેન્સ અને મિલિટરી બંને વિષયોમાં આજે કોઈ પણ દેશને ઢીલા પડવું પાલવે એમ નથી. અગાઉના એક લેખમાં આપણે વાત પણ કરેલી કે સૈન્યબળ વિના વિશ્વસત્તા ન બની શકાય અને લોહી ભૂખ્યાં લોકોને કારણે હિંસા અને યુદ્ધો વધતાં જશે એવા સંકેત દેખાઈ રહ્યા છે ત્યારે, જે દેશો અન્ય પર આક્રમણ કરવાની, વિસ્તાર વધારવાની કે બીજી કોઈ ભૂખ ધરાવતા નથી અને ફક્ત પોતાનાં લોકોની સુખાકારી ઇચ્છે છે, એમના માટે મિલિટરી પાવર વધારવો જરૂરી બને છે. પરંતુ, અમેરિકામાં જે હદે મિલિટરી ઇન્ડસ્ટ્રિઅલ કૉમ્પ્લેક્ષે વર્ચસ્વ જમાવ્યું છે, એ હદ સુધી જવું જોખમી સાબિત થાય. યુદ્ધને જ મુખ્ય ધંધો બનાવી બેઠેલા મિલિટરી ઇન્ડસ્ટ્રિઅલ કૉમ્પ્લેક્ષ માટે જગતમાં ક્યાંક ને ક્યાંક યુદ્ધો સળગતાં રહે એ જરૂરી છે. આ ક્ષેત્રની ખાસ કોઈ ભેદી વાતો બહાર આવતી નથી. ક્યારેક ૨૦૦૫માં બનેલી ‘લૉર્ડ ઑફ વોર’ જેવી ફિલ્મ થોડો પ્રકાશ જરૂર પાડે છે. ફિલ્મના મુખ્ય પાત્ર યુરી ઓર્લોવને બે દુશ્મન પક્ષોને હથિયારો વેચતો દેખાડવામાં આવેલો. અને વાસ્તવમાં, કોઈ પણ યુદ્ધ કે હિંસક સંઘર્ષમાં જ્યારે ઊંડા ઊતરીને જાણીએ કે કોણે કોની પાસેથી હથિયારો ખરીદેલા, ત્યારે આવી ચોંકાવનારી વિગતો સામે આવવાની શક્યતા વધારે છે. ‘ધી કાશ્મીર ફાઇલ્સ’ને કારણે વિખ્યાત થયેલું વાક્ય છે, ‘સરકાર કોઈની પણ હોય, સિસ્ટમ તો અમારી છે.’ વોરના બિઝનેસમાં પડેલાં લોકો અંગે પણ આવું જ કંઈક કહી શકાય કે યુદ્ધ કોઈની પણ વચ્ચે લડાતું હોય, હથિયાર તો એમના જ છે.

hardik.sparsh@gmail.com