એકતાનગરમાં યોજાનારી ચિંતન શિબિરમાં ભાગ લેવા CM સહિત તમામ મંત્રીઓ વોલ્વો બસમાં પહોંચ્યા
રાજકોટ: ગુજરાત સરકાર દ્વારા એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાદ લેવા માટે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રી મંડળના તમામ સભ્યો પોતાની સરકારી કારને બદલે એક સાથે જ વોલ્વો બસમાં એકતાનગર પહોચ્યા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બાદ પ્રથમ ચિંતન શિબિરનો આજે સાંજથી પ્રારંભ થશે. ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી તથા તેમના મંત્રીમંડળના સભ્યો તથા રાજયભરના આઈએએસ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. શિબિરમાં ભાગ લેવા માટે મુખ્યમંત્રી સહિત મંત્રી મંડળના સભ્યોએ વ્યક્તિગત કારને બદલે એસટીની વોલ્વોમાં પ્રવાસ કરવાનું પસંદ કરીને એક શ્રેષ્ઠ દ્રષ્ટાંત બેસાડયું હતું. ખુદ મુખ્યમંત્રી પણ ગાંધીનગરમાં તેમના નિવાસેથી વોલ્વો બસમાં સવાર થયા હતા અને તેમના મંત્રીમંડળના સભ્યો પણ વોલ્વોમાંજ એકતાનગર ખાતે પહોંચ્યા હતા.
કેવડિયા કોલોની, એકતાનગર, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજથી ત્રણ દિવસની ચિંતન શિબિરનો પ્રારંભ થશે.. જેમાં રાજયમાં શિક્ષણ અને આરોગ્ય સહિત વિવિધ ક્ષેત્રે ગુજરાતને નંબર વન બનાવવાના માટેનો રોડ મેપ તૈયાર કરાશે.. ચિંતન શિબિરમાં આઈએએસ અધિકારીઓ અભ્યાસ પેપર પણ રજુ કરશે. ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના કાર્યકાળમાં ચિંતન શિબિરનો પ્રારંભ કરાવ્યો હતો અને તે રાજયના વિકાસકામો તથા વહીવટી ક્ષેત્રે પણ ખૂબજ મહત્વપૂર્ણ પુરવાર થયો હતો.
આ શિબિરમાં સહભાગી થવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત સૌ મંત્રીઓ તેમજ મુખ્ય સચિવ રાજકુમાર અને રાજય સરકારના વરિષ્ઠ સચિવો તથા જિલ્લા કલેકટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ અને અન્ય અધિકારીઓ સૌ કોઈ પોતાના સરકારી વાહનને બદલે એસટીની વોલ્વો બસમાં સહપ્રવાસી બનીને ગાંધીનગર તેમજ અલગ અલગ સ્થળોથી રવાના થયા હતા.
ગાંધીનગરથી મંત્રીમંડળ નિવાસ સંકુલના કોમ્યુનિટી સેન્ટર ખાતેથી મુખ્યમંત્રી અને મંત્રીઓ માટે એક વોલ્વો ઉપરાંત મુખ્ય સચિવ અને અન્ય વરિષ્ઠ સચિવો માટે 4 વોલ્વો, ઉતર ગુજરાતના જિલ્લાઓના અધિકારીઓ માટે અમદાવાદ સર્કીટ હાઉસથી તેમજ મધ્ય ગુજરાતના જિલ્લાઓના અધિકારીઓ માટે વડોદરાથી, દક્ષિણ ગુજરાત માટે સુરતથી તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓ માટે રાજકોટથી એમ સમગ્રતયા 9 વોલ્વો બસ મારફતે 218 લોકો એકતાનગર પહોચ્યા હતા.