Site icon Revoi.in

દેશમાં PM તરીકે ત્રીજીવાર સત્તા સંભાળતા નરેન્દ્ર મોદીને ગુજરાતના મંત્રીમંડળે પાઠવ્યા અભિનંદન

Social Share

ગાંધીનગરઃ  મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને લોકસભા સામાન્ય ચૂંટણી-2024 બાદ આજે પ્રથમ રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં ચર્ચાયેલા વિષયો અંગે મીડિયાને માહિતી આપતા પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં કેન્દ્રમાં N.D.A. ગઠબંધનની સરકાર બનતા અને ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બનતા સમગ્ર ગુજરાત વતી તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

મંત્રીએ ઉમેર્યું હતું કે, ભારતને વિશ્વ ગુરૂ અને વર્ષ 2047 સુધીમાં વિકસીત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પપૂર્તિ માટે કટિબદ્ધ વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદી દેશના વિકાસ માટે અવિરતપણે સેવારત રહે તે માટે તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ રચાયેલા ભારત સરકારના નવા મંત્રી મંડળમાં ગુજરાતના બે રાજ્યસભાના સાંસદ અને 4 લોકસભાના સાંસદને સ્થાન મળ્યું છે, તે ગુજરાત માટે ખૂબ જ ગર્વની વાત છે.

લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં દેશના નાગરિકોએ ફરી એકવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી દેશભરમાં 292  લોકસભા બેઠકો પર NDA ગઠબંધનને જંગી વિજય અપાવી છે. ગુજરાતની જનતાએ પણ પોતાના અમૂલ્ય વોટ આપીને ફરી એકવાર વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની ભારત સરકાર પ્રત્યે પોતાનો વિશ્વાસ દર્શાવ્યો છે, જેથી ગુજરાતની જનતાનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે