કેલેન્ડર વર્ષ 2025માં ચાર ગ્રહણ લાગશે, બે સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણ
કેલેન્ડર વર્ષ 2024 પૂર્ણ થવામાં હવે એકાદ મહિનાનો સમય બાકી રહ્યો છે, અનેક લોકોએ નવા વર્ષને આવકારવા માટે અત્યારથી પ્લાનીંગ શરૂ કરી દીધું છે. ત્યારે આગામી કેલેન્ડર વર્ષ ગ્રહ પ્રમાણે કેવુ રહેશે અને કેટલા સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ આવશે તેને જાણવા માટે પણ અનેક લોકો ઉત્સાહિત છે.
નવા વર્ષમાં ચાર ગ્રહણ થશે. જ્યોતિષમાં સૂર્ય અને ચંદ્રગ્રહણનું વિશેષ મહત્વ છે. આ સમયગાળા દરમિયાન, શુભ કાર્ય અને પૂજા પ્રતિબંધિત છે. બેદરકારી કે વર્તનથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર વિપરીત અસરો થાય છે. વર્ષ 2025માં પણ ચાર ગ્રહણ જોવા મળશે. જેમાંથી બે સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણ થશે.
• ચંદ્રગ્રહણ
પ્રથમ ચંદ્રગ્રહણઃ પ્રથમ ચંદ્રગ્રહણ 14 માર્ચ, 2025 ના રોજ થશે. આ સંપૂર્ણ ગ્રહણ હશે. આ ચંદ્રગ્રહણ હોલિકા દહનના દિવસે થશે. પરંતુ ભારતમાં દેખાવાનું નહીં હોવાથી આ ચંદ્રગ્રહણની ભારતમાં કોઈ અસર નહીં થાય. આ ચંદ્રગ્રહણ યુરોપ, અમેરિકા, આફ્રિકા અને પેસિફિકમાં જોવા મળશે.
બીજું ચંદ્રગ્રહણઃ બીજું ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બર 2025ના રોજ થશે. આ ચંદ્રગ્રહણ પિતૃ પક્ષની શરૂઆતમાં થશે અને ભારતમાં પણ દેખાશે, જેના કારણે તેનો સુતક કાળ માન્ય રહેશે.
• સૂર્યગ્રહણ
પ્રથમ સૂર્યગ્રહણઃ પ્રથમ સૂર્યગ્રહણ 29 માર્ચ, 2025 ના રોજ થશે. આ આંશિક સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં કારણ કે તે રાત્રે થવાનું છે, પ્રથમ સૂર્યગ્રહણ યુરોપ, રશિયા અને આફ્રિકામાં દેખાશે.
બીજું સૂર્યગ્રહણઃ બીજું સૂર્યગ્રહણ 21 સપ્ટેમ્બર 2025 ના રોજ થશે અને તે પણ ભારતમાં દેખાશે નહીં. આ પણ આંશિક સૂર્યગ્રહણ હશે અને ન્યુઝીલેન્ડ, પેસિફિક અને એન્ટાર્કટિકામાં દેખાશે.