Site icon Revoi.in

રાજ્યમાં શિક્ષકોની જિલ્લાફેર બદલીઓ માટેનો કેમ્પ ડિસેમ્બરમાં યોજાશેઃ શિક્ષણમંત્રી કરી જાહેરાત

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળાઓના ઘણાબધા શિક્ષકો ઘણા સમયથી બદલીની રાહ જોઈ રહ્યા છે. ઘણા શિક્ષક દંપતી એવા છે. કે, અલગ અલગ ગામડાંની શાળાઓમાં નોકરી કરી રહ્યા છે. આથી સરકાર સમક્ષ બદલી કેમ્પ યોજવાની માગણી કરવામાં આવતી હતી. દરમિયાન શિક્ષણ મંત્રીએ બદલી કેમ્પ યોજવાની જાહેરાત કરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ શિક્ષકોની બદલીને લઇને સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોના બદલી કેમ્પની જાહેરાત કરવામાં આવી છે. જિલ્લા આંતરિક ઓનલાઈન કેમ્પનો પ્રથમ તબક્કો 2 નવેમ્બરથી શરુ થશે. જિલ્લા ફેરબદલી કેમ્પ 6 થી 8 ડિસેમ્બર દરમિયાન યોજાશે અને શિક્ષકો પોતાના પસંદગીના સ્થળે જઈ શકશે. જિલ્લા આંતરિક બદલી તબક્કાવાર યોજાશે. વધઘટ અને જિલ્લા આંતરીક ફેરબદલી 20 ઓક્ટોબરથી 29 ઓક્ટોબર દરમિયાન યોજાશે. જિલ્લા આંતરીક બદલી ઓનલાઈનનો પ્રથમ તબક્કો 2 નવેમ્બરથી 20 નવેમ્બર સુધી ચાલશે. મુખ્ય શિક્ષકોની ફેરબદલ કેમ્પ યોજવામાં આવશે. પ્રાથમિક શિક્ષકોની બદલી માટે ઠરાવ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.

રાજ્યના શિક્ષણ મંત્રી જિતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આ નિર્ણય આવનારી પેઢી માટે, સંસ્કૃત માટે અને આપણા સંસ્કારના જતન માટે ખુબ જ મહત્વનો સાબિત થવાનો છે અને મારા શિક્ષક પરિવાર કે જેમના માટે હાઈકોર્ટના ચુકાદાને અમે સ્વીકાર કર્યો છે અને જે બે-ત્રણ સુધારા સૂચવ્યા છે એ સુધારા સાથે શિક્ષક પરિવારને તકલીફ ના પડે તે રીતે આ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. બે લાખ શિક્ષકો, એમના પરિવારજનો, એમના દીકરા દીકરીઓ અને એમના સંબંધીઓ તે તમામ પરિવાર જેઓ રાહ જોઈ રહ્યા હતા એ કામ રાજ્ય સરકારે નિર્ણય કરીને હવે આગામી દિવસોમાં જે પત્રક આપ્યું છે તે પ્રમાણેની કાર્યવાહી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.