ગાંધીનગરઃ રાજ્ય સરકારે 10મી જાન્યઆરીથી ગાંધીનગરમાં યોજાનારી વાઈબ્રન્ટ સમિટને સફળ બનાવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરી દીધો હતો. લકઝરી હોટલોમાં મહેમાનો માટે રૂમના બુકિંગ કરાવી દીધા હતા. મહેમાનો માટે લકઝરી કારનો કાફલો મુંબઈથી અમદાવાદ આવી ગયો હતો. ગાંધીનગરમાં રાત્રે ડ્રોન લેસર શો માટે પણ ખર્ચ કરીને આગોતરૂ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પબ્લિસિટીથી લઈને અનેક નાના-મોટા કોન્ટ્રાક્ટ અપાયા હતા. પરંતુ છેલ્લા બે-ત્રણ દિવસમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થતાં સરકારને આખરે વાઈબ્રન્ટ સમિટનો કાર્યક્રમ મોકુફ રાખવાની ફરજ પડી હતી પરંતુ સરકારે ખર્ચેલા કરોડો રૂપિયા પાણીમાં ગયા છે. એક અંદાજ મુજબ સરકારે લગભગ 50 કરોડનો કરેલો ખર્ચ માથે પડ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટ, પતંગ મહોત્સવ અને ફ્લાવર શો ને રદ્દ કરવામાં આવ્યા છે પરંતુ તેની તૈયારી કરવામાં સરકારને 50 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. તે કાર્યક્રમો મુલત્વી રહેતા કરોડોનો ખર્ચ માથે પડ્યો છે. રાજ્યમાં જ્યારે ઓમિક્રોનનો કેસ આવ્યો ત્યારે અને કેસોની સંખ્યા 100ને પાર થઇ ત્યારે આ સરકારે ઊજવણીઓને મૌકુફ રાખવાની જરૂર હતી. પણ સરકારને આવી ગંભીર સ્થિતિ સર્જાશે તેવું લાગતું નહતુ. અને જોતજોતામાં કોરોનાના કેસમાં વધારો થવા લાગ્યો અને સરકારી કાર્યક્રમોના આયોજન પાછળની મહેનત પર પાણી ફરી વળ્યુ.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાતમાં વાયબન્ટની તૈયારી છેલ્લા બે મહિનાથી ચાલતી હતી. અધિકારી અને મંત્રીઓએ વિદેશ પ્રવાસ પણ કર્યા હતા. ગાંધીનગરને શણગારવામાં અને બીજા કોન્ટ્રાક્ટ આપવામાં સરકારને 50 કરોડ રૂપિયાનું આંધણ થયું છે જે વ્યર્થ ગયું છે, કારણ કે જે હેતુ માટે આ ખર્ચ કરવામાં આવ્યો હતો તે હેતુ સર્યો નથી. સરકારના અધિકારીઓ તેમજ કર્મચારીઓના કલાકો અને દિવસો વેડફાઇ ચૂક્યાં છે. વાયબ્રન્ટમાં આવનાર જુદાં-જુદાં ગેસ્ટ માટે કંઇ હોટલના કયાં રૂમમાં રોકાશે તેની પણ સંપુર્ણ તૈયારીઓ પુર્ણ કરી દેવાઇ હતી અને ગાંધીનગરમાં રોશનીથી માંડી તમામ તૈયારીઓ પણ પુર્ણ કરી દેવાઇ હતી. કેંટરીગથી માંડીને સિકયુરીટીની તમામ વ્યવસ્થાઓ પણ પુર્ણ કરી દેવાઇ હતી. મહેમાનો માટે એડવાન્સ નાણાં આપી ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી હતી.
સરકારે રાજ્યના નાગરિકોના હિતમાં આગામી 10થી 12 જાન્યુઆરીએ યોજનારી વાયબ્રન્ટ સમિટને મોફૂક રાખી છે. આ સમિટ થઇ હોત તો તેનો કુલ ખર્ચ 150 કરોડ થવાનો હતો જે પૈકી સરકારે 50 કરોડ તો ખર્ચી નાંખ્યા છે. વાયબ્રન્ટ સમિટની જેમ પતંગ મહોત્સવ અને ફલાવર શોની તૈયારી પાછળ પણ કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો છે.
(PHOT0-FILE)