નવી દિલ્હીઃ મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષા NEET-UG 2024ના પરિણામોમાં થયેલી ગોટાળાને લઈને વિદ્યાર્થીઓ ખૂબ જ નારાજ છે. હવે NEET પ્રવેશ પરીક્ષામાં ગેરરીતિનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે, જેના પર આજે સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે મંગળવારે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ને નોટિસ પાઠવીને તેનો જવાબ માંગ્યો છે.
NEET UG પ્રશ્નપત્ર લીક થવાના અહેવાલો વચ્ચે, ઉમેદવારોના એક જૂથે NEET-UG 2024 પરીક્ષા નવેસરથી આયોજિત કરવાની માંગણી સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. ગેરરીતિઓનો આરોપ લગાવતા, કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે કે NEET UG 2024નું પરિણામ પાછું ખેંચી લેવામાં આવે અને પરીક્ષા ફરીથી લેવામાં આવે. NEETની પરીક્ષા 5 મેના રોજ યોજાઈ હતી અને પરિણામ 4 જૂને આવ્યું હતું. ત્યારપછી ઘણી ફરિયાદો સામે આવી હતી, જેમાં પેપર લીકની વાત કહેવામાં આવી હતી.
મંગળવારે સુનાવણી દરમિયાન વિદ્યાર્થીઓને સુપ્રીમ કોર્ટ તરફથી પણ ઝટકો લાગ્યો હતો. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની વેકેશન બેન્ચે MBBS, BDS અને અન્ય કોર્સમાં પ્રવેશ માટે લાયક ઉમેદવારોની કાઉન્સેલિંગ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો. તેમણે પરીક્ષા રદ કરવાનો પણ ઇનકાર કર્યો હતો. બેન્ચે પરીક્ષાની માંગણી કરતી અરજીઓ પર NTAને નોટિસ જારી કરી હતી.
કોર્ટે કહ્યું કે પરીક્ષાની અખંડિતતાને અસર થઈ છે, તેથી NTAએ જવાબ આપવાની જરૂર છે. નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-ગ્રેજ્યુએટ (NEET-UG) નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા દેશભરની સરકારી અને ખાનગી સંસ્થાઓમાં MBBS, BDS અને આયુષ અને અન્ય સંબંધિત અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવામાં આવે છે.