હાથરસની ઘટનાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, નિવૃત્ત ન્યાયમૂર્તિના વડપણ હેઠળ તપાસની માંગણી
નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશના હાથરસમાં સત્સંગ દરમિયાન મચેલી ભાગદોડામાં અત્યાર સુધીમાં 121થી વધારે વ્યક્તિઓના મોત થયાં છે. બીજી તરફ સીએમ યોગીએ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને જવાબદારો સામે આકરી કાર્યવાહીના નિર્દેશ કર્યાં છે. સમગ્ર પ્રકરણમાં સત્સંગ કરનાર કહેવાતા સ્વયંભૂ સંત ભોલે બાબા ઉર્ફે નારાયણ સાકાર હરિ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. આ દરમિયાન સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.
હાથરસની દૂર્ઘટનાને લઈને સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી થઈ છે. આ અરજીમાં પાંચ સભ્યોની એક્સપર્ટ કમિટિ મારફતે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિના માર્ગદર્શન હેઠળ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. સમગ્ર ઘટના પર યુપી સરકાર પાસે સ્ટેટસ રિપોર્ટની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત ઘટનામાં જવાબદારો સામે અને અધિકારીઓ સામે કાનૂની કાર્યવાહીની દાદ માંગવામાં આવી છે. એટલું જ નહીં આવા સમારોહના આયોજનને લઈને એક ગાઈડલાઈન બનાવવાની માંગણી કરવામાં આવી છે. હાથરસની ઘટનાને લઈને અલ્હાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિને પણ પત્ર લખવામાં આવ્યો છે. મુખ્ય ન્યાયમૂર્તિને લખાયેલા પત્રમાં દુર્ઘટનાને લઈને સીબીઆઈ તપાસની માંગણી કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાથરસમાં સત્સંગ સભામાં મચેલી નાસભાગમાં 122થી વધારે વ્યક્તિઓના મોત થયાં છે. જેમાં સૌથી વધારે મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. સમગ્ર મામલે લોકોમાં રોષ ફેલાયો છે અને જવાબદારો સામે આકરી કાર્યવાહી કરવાની માંગણી ઉઠી છે. એટલું જ નહીં એફઆઈઆરમાં નારાયણ સાકાર હરિનું નામ નહીં હોવાનું જાણવા મળે છે. જેથી તેમની સામે પણ ગુનો નોંધવાની માંગણી ઉઠી છે.