અમદાવાદ: શહેરમાં એએમસી સંચાલિત ઢોરવાડામાં પશુઓના મોતને મુદ્દે પશુપાલકોએ લડતના મંડાણ કર્યા છે. અને પશુપાલકોની લડતને કોંગ્રેસે પણ ટેકો આપતા રાજકારણ ગરમાયું છે. મ્યુનિ. સંચાલિત ઢોરવાડામાં પશુઓના મોતમાં જવાબદાર મ્યુનિ.ના અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ સહિત પગલાં લેવાની માલધારીઓ માગ કરી રહ્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ઢોરવાડામાં રોજની 20થી વધુ ગાયોના મૃત્યુ થઇ રહ્યા હોવાના આક્ષેપ સાથે માલધારીઓ ઢોરવાડા બહાર ધરણા પર બેઠા છે. રવિવાર સવારથી જ માલધારીઓ ધરણા પર બેઠા છે. તેમને આક્ષેપ કર્યો હતો કે, રોજની અમારી 20થી 25 ગાયો ઢોરવાડામાં ભૂખી તરસી મૃત્યુ પામી રહી છે. જેથી જવાબદાર એએમસીના અધિકારીઓ અને કર્મચારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવી જોઈએ. માલધારીઓના કહેવા મુજબ ગાયોના મૃત્યુને પગલે મ્યુનિ. દ્વારા પોસ્ટમોર્ટમ કરાતા મૃત ગાયોના પેટમાંથી મોટી સંખ્યામાં પ્લાસ્ટિક મળી આવ્યું હતુ અને તેના કારણે મૃત્યુ થયો હોવાનો ખુલાસો થયો છે. તો હવે માલધારીઓના સમર્થનમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા ઢોરવાડાએ પહોંચતા રાજકારણ શરૂ થયુ છે. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા સહિત રાજશ્રી કેસરી, ઈકબાલ શેખ, ઝુલ્ફીખાન પઠાણ, તસ્લીમ આલમ શેખ, કામિની ઝા સહિતના કોંગ્રેસના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ ઢોરવાડા ખાતે પહોંચ્યા હતા. તેઓએ માલધારી સમાજની રજૂઆતને સાંભળી હતી. ત્યારબાદ ચાવડાએ જણાવ્યું હતું કે, હૃદય કમકમી ઉઠે તેવી હાલતમાં ગાયોને ઢોરવાડામાં રાખવામાં આવી રહી છે. 500 ગાય રહી શકે તેટલી જગ્યામાં 5000 ગાયો ભરવામાં આવી છે, પૂરતો ઘાસચારો નથી, સ્વછતા પણ નથી. સારવારની યોગ્ય વ્યવસ્થા નથી. રોજની 20થી 25 ગાયોના મૃત્યુ થાય છે. ત્યારે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા જોઈએ. માલધારીઓએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ગાયોના મૃતદેહના નિકાલ માટે તંત્ર દ્વારા નિયમોની અવગણના કરવામાં આવે છે. મૃતદેહોને દફન કરવાની જગ્યાએ રઝળતાં મૂકી દેવામાં આવે છે.