અમદાવાદઃ શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ દુર થતો નથી. શહેરમાંથી કાયમ માટે પશુઓને દુર કરવામાં આવે તો જ રખડતા પશુઓની સમસ્યા દુર થઈ શકે તેમ છે. શહેરમાં રખડતા ઢોરથી સર્જાતા અકસ્માતો નિવારવા તમામ ઢોરને શહેર હદની બહાર વસાવવા જોઈએ તેઓ પત્ર મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારે રાજ્યના શહેરી વિકાસ વિભાગને મોકલ્યો છે. શહેર બહાર ઢોરવાડા શરૂ કરીને પશુઓને કાયમી ધોરણે પશુ હોસ્ટેલમાં રાખવા મ્યુનિ.કોર્પોરેશન વિચારી રહી છે.
અમદાવાદના મ્યુનિ.કમિશનરે સરકારને મહારાષ્ટ્ર પેટર્ન અનુસરી રખડતા ઢોરનો પ્રશ્ન ઉકેલવા સૂચવ્યું છે. કમિશનરના સૂચનનો અમલ થાય તો શહેરમાં પશુપાલકોએ પોતાના ખર્ચે તેમના પશુઓ શહેર બહાર લઈ જવા પડે અને કોઈપણ પશુપાલક શહેરની હદમાં પોતાનું પશુ રાખી શકે નહીં. છેલ્લા કેટલાક સમયથી શહેરમાં રખડતા ઢોરોના પ્રશ્ને ભારે વિવાદ ઊભો થયો છે. તાજેતરમાં ભાજપના એક કોર્પોરેટરે આક્ષેપ કર્યો હતો કે રખડતા ઢોર પકડવા માટેની ટીમ ભ્રષ્ટાચાર કરે છે. સીએનસીડી વિભાગના એક પોલીસ અધિકારી તાજેતરમાં જ લાંચ લેતા પકડાયા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદમાં ઢોરની સમસ્યા દુર કરવા માટે મુંબઈની પ્રેટન અપનાવવા વિચારણા કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્ર સરકારે 1976માં કાયદો બનાવી તમામ ઢોરને શહેરી વિસ્તાર બહાર વસાવવા નિર્ણય કર્યો હતો અને તે કાયદાનો કડક અમલ કરતા મુંબઈ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દૂર થઈ શક્યો હતો.
અમદાવાદમાં જાહેર રોડ-રસ્તાઓ પર પશુઓ અડ્ડો જમાવીને બેસી રહેતા હોવાથી ટ્રાફિકને પણ અડચણરૂપ થાય છે. એટલું જ નહીં અકસ્માતના બનાવો પણ બની રહ્યા છે. મ્યુનિ દ્વારા રોડ પર રખડતા ઢોરને પકડવામાં આવે છે. છતાં પણ રખડતા ઢોરની સમસ્યા દુર થતી નથી. 29 સપ્ટેમ્બર 2021 છારાનગરમાં ગાયની અડફેટે એક વૃદ્ધાનું મોત થયું. હતું. તેમજ મે, 2019 ગાયની અડફેટ યુવકનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ 2020 પશુની અડફેટે સરખેજ રિંગરોડ પર વાહન ચાલકનું મોત થયું હતું. આમ ઢોરને કારણે અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે. (file photo)