દેશભરમાં ઉત્સાહ સાથે જોવા મળી જન્માષ્ટમીની ઉજવણી,અનેક જગ્યાઓએ થયા મટકીફોડના પ્રોગ્રામ
અમદાવાદ:ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસની ઉજવણી ભારતભરમાં જોવા મળી છે. ઉત્તર પ્રદેશથી લઈને કેરળ સુધી દરેક રાજ્યમાં અનેક જગ્યાઓ પર લોકો દ્વારા હર્ષોલ્લાસ અને ઉત્સાહની સાથે ઉજવણી કરવામાં આવી છે. જો વાત કરવામાં આવે બાંકે બીહારી, ઉત્તરપ્રદેશમાં આવેલા મંદિરની તો હજારોની સંખ્યામાં લોકો આ મંદિરે ભગવાન શ્રી કૃષ્ણને દર્શન માટે ઉમટી પડ્યા હતા. આ મંદિરમાં દર વર્ષે લાખો લોકો દર્શન માટે આવે છે.
જો વાત કરવામાં આવે ઈસ્કોન મંદિરની તો, અમદાવાદમાં આવેલા આ મંદિરમાં પણ મોટી સંખ્યામાં મુરલીમનોહરના ભક્તોની ભીડ જોવા મળી હતી. જાણકારી અનુસાર જન્માષ્ટમી પહેલા મંદિરોને પણ જોરદાર શણગારવામાં આવ્યા હતા અને મન આકર્ષિત કરી લે તે રીતે સજાવટ કરવામાં આવી હતી.
હવે જો વાત કરવામાં આવે દ્વારકાના મંદિરની તો ભગવાન કૃષ્ણના ભક્તો આ વર્ષે ધામધૂમથી જન્માષ્ટમી ઉજવવા માટે તૈયાર હતું. મહત્વનું છે કે પાછલા વર્ષે કોરોના મહામારીને કારણે મંદિર બંધ રહેતા ભક્તો આવી શક્યા નહતા. પરંતુ આ વર્ષે કોરોના ગાઇડલાઇન સાથે મંદિર ચાલુ છે. દ્વારકામાં જન્માષ્ટમી ઉજવવા માટે ભક્તો પહોંચી ગયા છે. અનેક ભક્તો એક દિવસ પહેલા દ્વારકા પહોંચ્યા હતા અને આજે મંગળા આરતીનો લ્હાવો લીધો હતો.
જે ભક્તો આજે દ્વારકા પહોંચીને દર્શન કરી શકે તેમ નથી, તેના માટે ઓનલાઇન દર્શનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તમે દ્વારકાધીશ મંદિરની વેબસાઇટ પર ભગવાનના ઓનલાઇન દર્શન ઘરે બેઠા કરી શકો છો. મહત્વનું છે કે પાછલા વર્ષે કોરોનાને કારણે મંદિર બંધ રહેતા ઓનલાઇન દર્શનની વ્યવસ્થા કરવામાં આવી હતી.