કેન્દ્રીય ચૂંટણીપંચની ટીમ બે દિવસની ગુજરાતની મુલાકાતે આવશે
અમદાવાદઃ ગુજરાતમાં આગામી ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઈને ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન ચૂંટણીપંચની ટીમ બે દિવસની ગુજરાતની મુલાકાતે આવશે. ચૂંટણીપંચની ટીમ ગુજરાતના પ્રવાસ દરમિયાન જિલ્લા કલેકટરો અને પોલીસ વડાઓ સાથે બેઠક યોજીને ચૂંટણી મુદ્દે ચર્ચા કરશે.
સુત્રોના જણાવ્યા અનુસાર જિલ્લા કલેકટરો અને પોલીસ વડાઓ સાથે કેન્દ્રિય ચૂંટણી પંચની ટીમ મતદાર યાદી, મતદાન મથક, સંવેદનશીલ મથકો, સુરક્ષા વ્યવસ્થા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરશે. કલેક્ટર અને પોલીસ વડા પોતાના જિલ્લાની ચૂંટણી લક્ષી તૈયારીઓ અંગે પ્રેઝન્ટેશન કરશે. વિધાનસભા ચૂંટણી પહેલા કેન્દ્રીય ચૂંટણી પંચની ગુજરાતમાં આ પ્રથમ બેઠક છે. શનિવાર અને રવિવાર અમદાવાદમાં એક ખાનગી હોટેલમાં બેઠક યોજાવાની છે.
ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર ચૂંટણી મેદાનમાં ઉતારશે. આમ વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામવાની શકયતા છે. બીજી તરફ હાલ રાજ્યમાં ચૂંટણી ઓળખકાર્ડ અને મતદારયાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે.