કેન્દ્ર સરકારે દિવાળી પૂર્વે ટેક્સની રકમમાંથી મળેલી રકમ રાજ્યો માટે જાહેર કરી
નવી દિલ્હીઃ દિવાળીના તહેવારનોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે નવેમ્બર મહિનાની ટેક્સ કમાણીમાં રાજ્યોના હિસ્સાની રકમ સમય પહેલા જાહેર કરી દીધી છે. કેન્દ્ર સરકારે નવેમ્બર 2023 માટે રાજ્યોને 72,961.21 કરોડ રૂપિયા 7 નવેમ્બરના રોજ રિલીઝ કરવાની મંજૂરી આપી છે. જોકે, આ રકમ 10 નવેમ્બર સુધીમાં જાહેર કરવાની હતી. કેન્દ્રના આ નિર્ણયને કારણે, રાજ્ય સરકારો તહેવારોને ધ્યાનમાં રાખીને લાભાર્થીઓ અને કર્મચારીઓને સમયસર ચૂકવણી કરી શકશે.
નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, નવેમ્બર મહિના માટે 28 રાજ્યોને કુલ 72,961.21 કરોડ રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે, જેમાં સૌથી વધુ 13088.51 કરોડ રૂપિયા ઉત્તર પ્રદેશને જાહેર કરવામાં આવ્યા છે. આ પછી બિહારનો વારો આવે છે. બિહારને તેના ટેક્સ હિસ્સામાંથી રૂ. 7338.44 કરોડ જાહેર કરવામાં આવ્યા છે.
ચૂંટણી રાજ્ય મધ્યપ્રદેશને રૂ. 5727.44 કરોડ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે પશ્ચિમ બંગાળને 5488.88 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. અન્ય ચૂંટણી રાજ્ય રાજસ્થાનને તેના કરના હિસ્સા તરીકે રૂ. 4396.64 કરોડ જાહેર કરવામાં આવ્યા છે. આ સિવાય છત્તીસગઢને 2485.79 કરોડ રૂપિયા, મહારાષ્ટ્રને 4608.96 કરોડ રૂપિયા, કર્ણાટકને 2660.88 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકાર રાજ્યોને ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા, વિકાસ પ્રોજેક્ટ માટે ભંડોળ પૂરું પાડવા, લોકોના કલ્યાણની કાળજી લેવા અને મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ અને કાર્યક્રમો પર ખર્ચ કરવા માટે નાણાં પૂરા પાડે છે. કેન્દ્ર સરકાર ટેક્સ પૂલમાંથી આ નાણાં રાજ્યોને 14 હપ્તામાં આપે છે. નાણાકીય વર્ષ 2023-24ના બજેટ અનુમાન મુજબ, 15મા નાણાં પંચની ભલામણો અનુસાર, સરકાર આ વર્ષે રાજ્યોને 10.21 લાખ કરોડ રૂપિયા જાહેર કરશે.