કેન્દ્ર સરકારે પૂજા ખેડકરને ભારતીય વહીવટી સેવામાંથી તાત્કાલિક અસરથી બરતરફ કર્યા
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે પૂર્વ તાલીમાર્થી અધિકારી પૂજા ખેડકરને ભારતીય વહીવટી સેવા (IAS)માંથી બરતરફ કરી દીધા છે.
કર્મચારી અને તાલીમ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, 6 સપ્ટેમ્બરના આદેશ દ્વારા, કેન્દ્ર સરકારે IAS (પ્રોબેશન) નિયમ 1954ના નિયમ 12 હેઠળ IAS પ્રોબેશનર (MH: 2023) પૂજા મનોરમા દિલીપ ખેડકરને ભારતીય વહીવટી સેવા (IAS)માં તાત્કાલિક અસરથી બરતરફ કરવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, બનાવટી ઓળખ આપીને નિર્ધારિત મર્યાદા કરતાં વધુ સિવિલ સર્વિસ પરીક્ષા આપવાનો પ્રયાસ કરવાનો આરોપ પ્રકાશમાં આવ્યા બાદ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ 31 જુલાઈએ CSE-2022 માટે ખેડકરની ઉમેદવારી અસ્થાયી રૂપે રદ કરી દીધી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે તેણે પોતાનું નામ, તેના પિતા અને માતાનું નામ, તેનો ફોટોગ્રાફ અને સહી, તેનું ઈમેલ આઈડી, મોબાઈલ નંબર અને સરનામું બદલીને અને તેની ઓળખ બદલીને પરીક્ષાના નિયમો હેઠળની અનુમતિપાત્ર મર્યાદાને ઓળંગવાનો પ્રયાસ કર્યો હતો.