કેન્દ્ર સરકારે સુરતના એરપોર્ટને આપ્યો આંતરરાષ્ટ્રીય દરજ્જો, હવે વિદેશ જવા ફ્લાઈટ્સ ઉડાન ભરશે
સુરતઃ શહેરના ડોમેસ્ટીક એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો કેન્દ્ર સરકારે આપ્યો છે. હવે ઈન્ટરનેશનલ એરપોર્ટને લીધે વિદેશ જવા માટેની ફ્લાઈટ્સ ઉડાન ભરી શકશે. હાલ દુબઈ અને શારજાહની ફ્લાઈટ શરૂ કરાઈ છે. આગામી દિવસોમાં અન્ય દેશો માટે પણ સુરત એરપોર્ટ પરથી ફ્લાઈટ ઉડાન ભરશે તેવી શક્યતાઓ છે.
ગુજરાતને ત્રીજું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મળ્યું છે. સુરતના ડોમેસ્ટિક એરપોર્ટને હવે આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો અપાયો છે. કેન્દ્ર સરકારે સુરતના એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કર્યું છે. જેનો સરકારી ગેઝેટમાં પણ સમાવેશ થયો છે. દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને કેબિનેટ બેઠક મળી હતી. જેમાં સુરતના એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજજો આપવાના પ્રસ્તાવને મંજૂરી અપાઈ હતી. આ નિર્ણયથી ઉદ્યોગકારો અને હીરા વેપારીઓને મોટો લાભ મળશે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મળતા સુરતવાસીઓમાં આનંદ છવાયો છે. સુરત એરપોર્ટ પરથી હાલ દુબઈ અને શારજાહની ફ્લાઈટ શરૂ કરાઈ છે. આગામી દિવસોમાં અન્ય દેશો માટે પણ સુરત એરપોર્ટ પરથી ફ્લાઈટ ઉડાન ભરશે તેવી શક્યતાઓ છે.
સુરતમાં હાલ ડોમેસ્ટીક એરપોર્ટ પર પ્રવાસી ટ્રાફિકમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં સુરત શહેર હીરા અને ટેક્સટાઈલ ઉદ્યોગમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ત્યારે આતરરાષ્ટ્રીય વિમાની સેવાથી વધુ લાભ મળશે. હાલ સુરત વાસીઓને વિદેશ જવા માટે અમદાવાદ કે મુંબઈથી ફ્લાઈટ પકડવી પડે છે. હવે ઘર આંગણેથી જ વિદેશ જવાનો લાભ મળશે.
ગુજરાતમાં હાલ ત્રણ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે. જેમાં અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે. આ ઉપરાંત રાજકોટના વિમાની મથકને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ દરજ્જો અપાયો હતો. હવે સુરતને પણ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો અપાયો છે.