Site icon Revoi.in

કેન્દ્ર સરકારે ઉધમપુર રેલવે સ્ટેશનનું નામ બદલી નાખ્યું, હવે આ નામથી ઓળખાશે

Social Share

દિલ્હી: કેન્દ્ર સરકારે ગુરુવારે ઉધમપુર રેલવે સ્ટેશનનું નામ બદલી નાખ્યું છે. આ સ્ટેશન હવે શહીદ કેપ્ટન તુષાર મહાજન રેલ્વે સ્ટેશન તરીકે ઓળખાશે. કેન્દ્ર સરકારે આ માટે મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય મંત્રી ડૉ.જિતેન્દ્ર સિંહે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.

ડૉ. જીતેન્દ્ર સિંહે X (અગાઉ ટ્વિટર) પર લખ્યું, ‘ઉધમપુરને જન્માષ્ટમીની શુભકામનાઓ. ભારત સરકારે ઉધમપુર રેલ્વે સ્ટેશનનું નામ ‘શહીદ કેપ્ટન તુષાર મહાજન રેલ્વે સ્ટેશન’ રાખવાની મંજૂરી આપી છે. આ અંગેનો પત્ર જમ્મુ અને કાશ્મીર સરકારને ઔપચારિક રીતે જરૂરી ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવા માટે મોકલવામાં આવ્યો છે. આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર.

શહીદ કેપ્ટન તુષાર મહાજન 9 પેરા (ભારતીય સેનાના વિશેષ દળો)ના અધિકારી હતા. સેનાના અન્ય જવાનોના જીવની રક્ષા કરતા એક આતંકવાદીને માર્યા બાદ તેણે શહીદી મેળવી હતી. કૅપ્ટન તુષાર ફેબ્રુઆરી 2016માં પુલવામા જિલ્લામાં જમ્મુ કાશ્મીર એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (JKEDI) બિલ્ડિંગ પર થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયા હતા.

બલિદાનીના પિતા દેવરાજ ગુપ્તાએ આ મુદ્દો વડાપ્રધાન સમક્ષ ઉઠાવવા અને ઉધમપુર રેલવે સ્ટેશનને કેપ્ટન તુષાર મહાજનને સમર્પિત કરાવવા માટે ડૉ. જિતેન્દ્ર સિંહની પ્રશંસા કરી છે. કેપ્ટન તુષાર મહાજન ટ્રસ્ટે પણ આ જૂની માગણી પૂરી કરવા બદલ ડૉ.જિતેન્દ્ર સિંહ અને સ્થાનિક ભાજપના નેતાઓનો આભાર વ્યક્ત કર્યો છે.