કેન્દ્ર સરકારે કોરોના વાયરસની રસીના છ કરોડ ડોઝનો આર્ડર આપ્યો
દિલ્હીઃ કોરોના વાયરસની રસીની કેન્દ્ર સરકાર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. દરમિયાન કેન્દ્ર સરકારે સીરમની કોલિશીલ્ડ રસી અને ભારત બાયોટેકની કોવેક્સિન રસીના કુલ 6 કરોડ ડોઝના ઓર્ડર આપવામાં આવ્યાં છે. પુણેમાં સીરમની લેબોરેટરીમાંથી આજે વહેલી સવારે ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાના સહયોગમાં નિર્મિત કોવિશીલ્ડ રસી ધરાવતું પહેલું કન્સાઈનમેન્ટ દિલ્હી માટે રવાના કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્ર સરકારે પુણેસ્થિત સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા અને હૈદરાબાદસ્થિત ભારત બાયોટેક કંપનીઓએ બનાવેલી કોરોના વાઈરસ-વિરોધી રસીઓના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે. તેમજ કોરોના રસીકરણ માટે કેન્દ્ર તથા રાજ્ય સરકારો દ્વારા તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે. પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારી અને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસી આપવામાં આવશે. દેશમાં તા. 16મી જાન્યુઆરીથી રસીકરણ ઝુંબેશ શરૂ કરવામાં આવશે. પ્રત્યેક જણને કોરોના રસીના બે ડોઝ આપવામાં આવશે.
પસરકારે સીરમ પાસેથી પ્રતિ ડોઝ રૂ. 210ના ખર્ચે કુલ રૂ. 231 કરોડમાં, 1 કરોડ 10 લાખ ‘કોવિશીલ્ડ’ના ડોઝની ખરીદીનો ઓર્ડર આપ્યો છે. ભારત બાયોટેક પાસેથી સરકાર ‘કોવેક્સિન’ રસીના 55 લાખ ડોઝ ખરીદવાની છે. એ માટે કુલ રૂ. 162 કરોડનો ખર્ચ થશે. હાલના દરે રસીકરણનો કુલ ખર્ચ રૂ. 1,300 કરોડ થશે.