દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી IDBI બેંકનો હિસ્સો વેચવાની વાતે જોર પકડ્યું હતું ત્યારે હવે સમાચાર સામે આવી રહ્યા છે કે કેન્દ્ર સરકાર બેંકનો 51 ટકા હિસ્સો વેચવાની તૈયારી ધરાવે છે.જાણકારી પ્રમાણે કેન્દ્ર અને લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના અધિકારીઓ હિસ્સો વેચવાની યોજના પર ચર્ચાઓ કરી કરી રહ્યા છે. બંને પક્ષો મળીને IDBI બેંકમાં 94 ટકા હિસ્સો ધરાવે છે.
જો કે વધુ વિગત પ્રમાણે આ હિસ્સો વેચવા અંગેની ડીલ અંગે છેલ્લો નિર્ણય મંત્રીઓની સમિતિ દ્વારા લેવામાં આવશે. સરકાર અને LIC સપ્ટેમ્બરના અંત સુધીમાં બેંકમાં ખરીદદારોના હિતનું મૂલ્યાંકન કરશે. ગયા વર્ષે મે મહિનામાં, આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ IDBI બેન્કના વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ અને મેનેજમેન્ટ કંટ્રોલના ટ્રાન્સફર માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી.
ઉલ્લેખનીય છે કે આ માટે આઈડીબીઆઈ બેંક એક્ટમાં જરૂરી સુધારા કરવામાં આવ્યા છે. સરકાર આ બેંકમાં 45.48 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે એલઆઈસી 49.24 ટકા હિસ્સો ધરાવે છે. જો કે તેના ચેરમેન એમ આર કુમારે જણાવ્યું હતું કે કોર્પોરેશન પાસે હિસ્સાના વેચાણ માટે હજુ સુધી કોઈ સમયરેખા નથી. ડિવેસ્ટમેન્ટ ડિપાર્ટમેન્ટ તેના પર કામ કરી રહ્યું છે પરંતુ હજુ સુધી કોઈ એક્સપ્રેશન ઑફ ઇન્ટરેસ્ટ બોલાવવામાં આવ્યું નથી.
આ વર્ષે માર્ચમાં તેના આઈપીઓ ફાઇલિંગમાં, એલઆઈસી એ કહ્યું હતું કે તે બેન્કેસ્યોરન્સ ચેનલના લાભો મેળવવા માટે આઈડીબીઆઈ બેન્કમાં તેના 51 ટકા હિસ્સાનો હિસ્સો જાળવી રાખશે. સરકાર બેંકમાંથી બહાર નીકળવા માંગતી હોવાથી બેંકનું સંપૂર્ણ ખાનગીકરણ કરવાની યોજના છે.
આ સાથે જ છેલ્લા 12 મહિનામાં આઈડીબીઆઈ બેન્કના શેરમાં 6.3 ટકાનો વધારો થયો છે. આનાથી બેંકની માર્કેટ મૂડી વધીને રૂ. 427.7 અબજ થઈ ગઈ છે. બુધવાર, 24 ઓગસ્ટે, BSE પર દિવસના ટ્રેડિંગમાં બેન્કનો શેર લગભગ 5 ટકા વધીને રૂ. 41 થયો હતો