Site icon Revoi.in

ભારે વરસાદના લીધે થયેલી નુકશાની મામલે ભુજમાં પહોંચી કેન્દ્ર સરકારની ટીમ

Social Share

અમદાવાદઃ ભુજ ખાતે આયોજિત બેઠકમાં કેન્દ્ર સરકારની ઈન્ટર મિનિસ્ટ્રીયલ ટીમે ભારે વરસાદની પરિસ્થિતિમાં કચ્છ જિલ્લા વહીવટીતંત્રની રાહત બચાવ કામગીરી અંગે વિગતો મેળવી હતી. કલેક્ટર અમિત અરોરાએ બેઠકમાં પ્રૅઝેન્ટેશનના માધ્યમથી ટીમના સભ્યોને વહીવટીતંત્રની રાહત બચાવ કામગીરી, સહાય ચૂકવણી વગેરે બાબતોની જાણકારી આપી હતી.

ભારે વરસાદ સંદર્ભે નુકસાની તેમજ રિસ્ટોરેશનના ડૉક્યુમેન્ટેશન માટે દિલ્હીથી કચ્છ જિલ્લાની મુલાકાતે આવેલા ઈન્ટર-મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમના અધિકારીઓને બેઠકમાં આવકારીને જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ ભારે વરસાદની પરિસ્થિતિ અંગે માહિતી આપી હતી. જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ પ્રેઝેન્ટેશનના માધ્યમથી પૂર્વ તૈયારીઓ અને ભારે વરસાદ બાદ વહીવટીતંત્ર દ્વારા રિસ્ટોરેશન તેમજ સહાય વિતરણની કામગીરીની વિગતો ટીમ સમક્ષ રજૂ કરી હતી.

જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ આ બેઠક દરમિયાન વિગતવાર માહિતી આપતા ટીમને જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સરકારના સીધા માર્ગદર્શન હેઠળ તમામ પૂર્વ તૈયારીઓ કરવામાં આવી હતી. કલેક્ટરે ભારે વરસાદની સ્થિતિમાં દરિયાકાંઠાના નજીકના વિસ્તારમાંથી સ્થળાંતરની કામગીરી, કલસ્ટર વાઈઝ નોડલ અધિકારીઓની નિમણૂક, કોમ્યુનિકેશન વ્યવસ્થા, સેવાભાવી સંસ્થાઓ અને એનજીઓના સહયોગથી ફૂડ પેકેટ વિતરણ વ્યવસ્થા, પાણી વિતરણ, વીજ પુન:સ્થાપનની કામગીરી, ઝાડ ટ્રિમિંગ, ભારે વરસાદની સ્થિતિ પહેલા જ સર્ગભા મહિલાઓનું મેડિકલ ફેસિલિટીઝમાં સ્થળાંતર, પશુઓની સુરક્ષા માટેના દિશાનિર્દેશો, ધાર્મિક સ્થળો-પ્રવાસન સ્થળો તેમજ નદી નાળા કૉઝવે બંધ કરીને પોલીસ બંદોબસ્ત ગોઠવીને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા સહિતના યુદ્ધના ધોરણે લેવાયેલા પગલાઓ વિશે જાણકારી આપી હતી.

આ ઉપરાંત, દિલ્હીથી આવેલી ઈન્ટર-મિનિસ્ટ્રીયલ ટીમના સભ્યોએ જિલ્લામાં પાક નુકસાની, રોડ-રસ્તાની નુકસાની, પશુ મૃત્યુ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો- સ્કૂલોમાં નુકસાની, પાણી વિતરણ વ્યવસ્થામાં નુકસાની, પાક નુકસાની સર્વે કામગીરી, અસરગ્રસ્તોને આપવામાં આવેલા વળતર-કૅશડોલ્સ અંગે વિસ્તૃત માહિતી સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ પાસેથી મેળવી હતી. ઈન્ટર-મિનિસ્ટ્રીયલ ટીમ કચ્છ જિલ્લાના ભારે વરસાદ અસરગ્રસ્ત માંડવી અબડાસા વગેરે વિસ્તારોની મુલાકાત લઈને નુકસાની તેમજ રિસ્ટોરેશનની કામગીરીની સમીક્ષા અને ડૉક્યુમેન્ટેશન કરશે.

દિલ્હીથી આવેલી ટીમના સભ્યો સર્વે મિલેટ ડેવલ્પમેન્ટના ડાયરેક્ટર સુભાષ ચંદ્રા, રૂરલ ડેવલ્પમેન્ટ વિભાગના ડેપ્યૂટી ડાયરેક્ટરશ્રી તિમન સિંઘ, મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝના એક્ઝિક્યુટિવ ઈજનેર સૌરવ શિવહરે, રાજ્ય સરકારના લાયઝન ઓફિસર અને ડેપ્યૂટી કલેક્ટર વિપુલકુમાર સાકરીયાએ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરીને ભારે વરસાદની સ્થિતિનો ખ્યાલ મેળવ્યો હતો.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.પ્રજાપતિ, પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર, નિવાસી અધિક કલેક્ટર મિતેશ પંડ્યા, માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઈજનેર વી.એન.વાઘેલા, માર્ગ અને મકાન વિભાગ પંચાયતના અધિક્ષક ઈજનેરશ્રી એમ.જે.ઠાકોર સહિત કચ્છ વહીવટીતંત્રના શીર્ષ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભુજ ખાતે આયોજિત બેઠકમાં કેન્દ્ર સરકારની ઈન્ટર મિનિસ્ટ્રીયલ ટીમે ભારે વરસાદની પરિસ્થિતિમાં કચ્છ જિલ્લા વહીવટીતંત્રની રાહત બચાવ કામગીરી અંગે વિગતો મેળવી હતી. કલેક્ટર અમિત અરોરાએ બેઠકમાં પ્રૅઝેન્ટેશનના માધ્યમથી ટીમના સભ્યોને વહીવટીતંત્રની રાહત બચાવ કામગીરી, સહાય ચૂકવણી વગેરે બાબતોની જાણકારી આપી હતી.