ગેરકાયદે ઓનલાઈન લોન આપતી કંપનીઓ અને મોબાઈલ એપ્સ મામલે કેન્દ્ર સરકાર કાયદો બનાવશે
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર ગેરકાયદેસર ઓનલાઈન લોન આપનાર પ્લેટફોર્મ અને મોબાઈલ એપ્સથી ડિજિટલ લોન પર પ્રતિબંધ મૂકવા માટે કાયદો લાવવાનું વિચારી રહી છે. આ અંગેની જાણકારી ધરાવતા બે અધિકારીઓએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારનો ઉદ્દેશ્ય પૈસા ઉછીના લેનારાઓને બચાવવાનો છે. સૌપ્રથમ, તેમને ખૂબ ઊંચા વ્યાજ દરોનો સામનો કરવો પડે છે, અને લોન ન ચૂકવવાના કિસ્સામાં, તેમની સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવે છે, જેના કારણે કેટલાક લોન લેનારાઓએ મૃત્યુનો માર્ગ પસંદ કર્યો છે.
અનિયંત્રિત સંસ્થાઓ લોકોને સરળતાથી લોન આપે છે પરંતુ તાજેતરના વર્ષોમાં તેઓએ એવી ખોટી લોન રિકવરી સિસ્ટમ્સ અપનાવી છે જેના કારણે કેટલાક આત્મહત્યાના બનાવો પણ બન્યાં છે. સરકારે પહેલાથી જ ઘણી અનધિકૃત એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે અને હવે તે થર્ડ પાર્ટી સર્વિસ પ્રોવાઈડર્સને રેગ્યુલેટ કરવા માટે આરબીઆઈને પણ પરવાનગી આપી શકે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પણ અનેક વખત ડિજિટલ લોન પ્રોવાઈડર્સને સાવચેત રહેવાની અપીલ કરી છે. અનિયંત્રિત લોન આપતી એપ, ખાસ કરીને વિદેશમાં હોસ્ટ કરાયેલી એપ હજુ પણ કોઈપણ જાતની ચકાસણી કર્યા વગર કાર્યરત છે. તેથી, આરબીઆઈએ તેના નિયંત્રણ હેઠળના ધિરાણકર્તાઓ માટે એક નિયમનકારી માળખું તૈયાર કર્યું છે.
આરબીઆઈ તેના નિયંત્રણ હેઠળની લોન આપતી સંસ્થાઓને વિશેષ નિયમો દ્વારા નિયંત્રિત કરે છે. પરંતુ અનરેગ્યુલેટેડ ડીજીટલ લોન આપતી એપ્સ માટે યોગ્ય માપદંડનો અભાવ ગ્રાહકો માટે સમસ્યાનું કારણ બને છે. આરબીઆઈના નિયમો વાણિજ્યિક બેંકો, પ્રાથમિક શહેરી સહકારી બેંકો, રાજ્ય સહકારી બેંકો, જિલ્લા સહકારી બેંકો, નોન બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ (એનબીએફસી), હોમ ફાઇનાન્સ કંપનીઓ (એચએફસી) અને તમામ આઉટસોર્સ લોન કામગીરીને લાગુ પડે છે. આ નિયંત્રિત સંસ્થાઓ દ્વારા ફિનટેક ફર્મ માટે ડિજિટલ લોન મેળવવી એ એક દૂરસ્થ અને સ્વચાલિત પ્રક્રિયા છે. તે મોટા પાયે ગ્રાહક ઓનબોર્ડિંગ, ક્રેડિટ મૂલ્યાંકન, લોન મંજૂરી, વિતરણ, લોન રિકવરી અને સંબંધિત ગ્રાહક સેવાઓ માટે સીમલેસ ડિજિટલ તકનીકનો ઉપયોગ કરે છે.
દેશમાં ઘણી ઓનલાઈન લોન કંપનીઓ અને લોન પ્રોવાઈડર એપ્સ છે, જેનાથી જોડાયેલા સમાચાર ઘણા સમયથી આવી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ડિજિટલ લોન પ્રદાતા પ્લેટફોર્મ વધુને વધુ લોકપ્રિય બન્યા છે. લોકો બેંકો કરતાં આ પ્લેટફોર્મ પરથી લોન લેવાનું પસંદ કરે છે કારણ કે તેઓ ઓછી ઔપચારિકતાઓ સાથે સરળતાથી અને ઝડપથી લોન આપે છે.
(Photo-File)