કોરોનામાં જે બાળકોએ પોતાના માતા-પિતા ગુમાવ્યા છે તેમનું ધ્યાન કેન્દ્ર સરકાર રાખશે, પીએમ મોદીએ કરી જાહેરાત
- કોરોનામાં અનાથ થયેલા બાળકોને મળશે સહાય
- કેન્દ્ર સરકાર રાખશે તેમનું ધ્યાન
- પીએમ મોદીએ કરી આ બાબતે જાહેરાત
દિલ્લી: દેશમાં કોરોનાવાયરસથી ધંધા અને વેપાર જેવી વસ્તુઓને તો નુક્સાન થયું જ છે તેમાં કોઈ શંકા નથી પણ કેટલાક નુક્સાન એવા પણ થયા છે જેની ભરપાઈ જીંદગીભર કોઈ કરી શકશે નહી. વાત છે બાળકોની. કોરોનાકાળમાં કેટલાક બાળકો એવા પણ છે જેમણે પોતાના માતા-પિતાને કોરોનાકાળમાં ગુમાવ્યા છે અને તેમના પરથી મા-બાપનો સાયો ઉઠી ગયો.
આ બાબતે કેન્દ્ર સરકારે યોગ્ય પગલા લીધા છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે, જે બાળકોએ કોરોના સમયમાં પોતાના મા-બાપ ગુમાવ્યા છે તે બાળકોને પીએમ કેર ફોર ચિલ્ડ્રન ફંડ અંગત સહાયતા આપવામાં આવશે.
પીએમઓ દ્વારા જાણકારી આપવામાં આવી છે કે બાળકો 18 વર્ષ થયા બાદ તેમને માસિક સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવશે અને તેમને 23 વર્ષ થયા બાદ 10 લાખ રૂપિયા આપવામાં આવશે. કોવિડ દરમિયાન માતા-પિતા ગુમાવનાર અનાથ બાળકોને મફતમાં શિક્ષણ આપવામાં આવશે. આ સાથે જ બાળકોને એજ્યુકેશન લોન લેવામાં મદદ કરવામાં આવશે અને તેનું વ્યાજ પીએમ કેર ફંડ દ્વારા ભરવામાં આવશે.
આ સાથે જ બાળકોને 18 વર્ષની ઉંમર સુધી આયુષ્માન ભારત યોજના હેઠળ આરોગ્ય વીમો આપવામાં આવશે અને તેનું પ્રીમિયમ પણ પીએમ કેર દ્વારા ચૂકવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, બાળકો ભારતના ભવિષ્યનું પ્રતિનિધિત્વ કરે છે; અમે તેમને ટેકો આપવા, બચાવવા માટે તમામ પ્રયત્ન કરીશું. 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સેન્ટ્રલ સ્કૂલ અથવા ખાનગી શાળામાં દાખલ કરવામાં આવશે. જો બાળકને ખાનગી શાળામાં પ્રવેશ અપાય છે, તો આરટીઇ નિયમો હેઠળ તેની ફી પીએમ કેર પાસેથી પણ ચૂકવવામાં આવશે. યુનિફોર્મ, કોપી-બુકનો ખર્ચ પણ પીએમ કેર ભોગવશે.