Site icon Revoi.in

ગુજરાતમાં પંચાયતી રાજની ગ્રાંટનો ઉપયોગ ન થતા કેન્દ્ર સરકારે બીજો હપતો અટકાવી દીધો

Social Share

ગાંધીનગરઃ કેન્દ્ર સરકાર દ્વારા પંચાયતી માટે અપાતી ગ્રાન્ટનો ઘણીવાર પુરતો ઉપયોગ થતો નથી પરિણામે પંચાયતી રાજ વ્યવસ્થા કથળતી જતી હોય છે. ત્યારે ગુજરાત રાજ્યના 25 જિલ્લાઓમાં 15માં નાણાપંચની વર્ષ 2021 ની ગ્રાન્ટ પૈકી 50 ટકા ગ્રાન્ટ વણવપરાયેલી છે. એટલું જ નહીં 10 તાલુકા પંચાયતોમાં તેમના જિલ્લાની ગ્રાન્ટ વાપરવાનું નક્કર આયોજન પણ કરવામાં આવ્યું નથી.
જેના કારણે ભારત સરકાર દ્વારા આપવામાં આવતો ગ્રાંટ નો બીજો હપ્તો અટકાવી દેવામાં આવ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

સુત્રોના જણાવ્યા મુજબ રાજ્યના પંચાયત વિભાગ દ્વારા કરવામાં આવેલી ખાસ સમીક્ષામાં સરકારના ધ્યાને આવ્યું છે. કે, કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટનો મોટાભાગના તાલુકા અને જિલ્લા કક્ષાએ સદ ઉપયોગ થયો નથી. જેના કારણે બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓનો ઉધડો લેવામાં આવ્યો હોવાના અહેવાલ છે. ઉલ્લેખનીય છે કે પંચાયત વિભાગની બેઠકમાં એવું ધ્યાને આવ્યું હતું કે રાજ્યના 13 જિલ્લાઓમાં માત્ર 40 ટકાથી પણ ઓછો ગ્રાન્ટનો વપરાશ થયો છે. જ્યારે અન્ય 25 જિલ્લાઓમાં 50 ટકા ગ્રાન્ટ ઉપયોગ કરાયો નથી. આ ઉપરાંત રાજ્યના 10 તાલુકા એવા છે કે જ્યાં જિલ્લાની ગ્રાન્ટ કેવી રીતે વાપરવી તેનું આયોજન પણ થયું નથી જેના કારણે ભારત સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટ હાલ અટકાવી દેવામાં આવી છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યની કેટલીક જિલ્લા અને તાલુકા પંચાયતોને મળવાપાત્ર ગ્રાન્ટના આયોજન અંગેની મંજૂરી પણ ગુજરાત સરકારને મોકલી શકી નથી .પરિણામે સરકાર તરફથી ગ્રાન્ટ વપરાતી નથી અને વિકાસના કામો ટલ્લે ચડતા હોવાનું તંત્રના ઉચ્ચ અધિકારીઓને ધ્યાને આવ્યું છે.
આ ઉપરાંત સમીક્ષા બેઠકમાં એવી પણ ચર્ચા કરવામાં આવી હતી કે રાજ્યના મોટાભાગના ગામડાઓમાં ગ્રાન્ટ વણવપરાયેલી રહી છે તેનું મુખ્ય કારણ એવું જાણવા મળ્યું હતું કે રાજ્યના વહીવટી તંત્રના અધિકારીઓ પંચાયતના પદાધિકારીઓ સાથે સંકલન નહીં કરીને તેમને ગ્રાંટના આયોજન તેમજ તેના વપરાશ માટે પુરતું માર્ગદર્શન આપતા નથી.