નવી દિલ્હીઃ ડીપફેક ટેક્નોલોજીના વધતા ખતરાને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં કડક પગલાં લઈ શકે છે. કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા કંપનીઓને પગલાં લેવા અને કડક કાયદો બનાવવા કહ્યું છે. કંપનીઓ આ દિશામાં કામ શરૂ કરી રહી હોવાનું જાણવા મળે છે. ડીપફેક ટેકનોલોજીના વધતા દૂરઉપયોગ સામે પગલા ભરવા માટે માંગણી ઉઠી રહી છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ સાથેની બેઠક બાદ કેન્દ્રીય સંચાર અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ડીપફેક્સ લોકશાહી માટે નવા ખતરા તરીકે ઉભરી આવ્યું છે અને સરકાર નિયમન લાવવાનું પણ વિચારી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ડીપફેકની સમસ્યાનો નિકાલ લાવવા માટે અમે ટૂંક સમયમાં નવા નિયમો બનાવીશું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ સંમત થયા હતા કે ‘ડીપફેક્સ‘ને શોધવા અને રોકવા માટે સ્પષ્ટ પગલાંની જરૂર છે.”
તાજેતરમાં જ ઘણા બોલિવૂડ કલાકારોને નિશાન બનાવતા ઘણા ‘ડીપફેક‘ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સર્ક્યુલેટ થયા હતા. આ અંગે અનેક લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી. આનાથી નકલી સામગ્રી બનાવવા માટે ટેક્નોલોજી અને સાધનોના દુરુપયોગ અંગે પણ ઘણા પ્રશ્નો ઉભા થયા છે. આ બાબતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તેમનો ગરબા રમતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જોકે તેઓ ક્યારેય ગરબા રમ્યા નથી. પીએમ મોદીએ પણ આ મામલે ગંભીરતા બતાવી અને કહ્યું કે આ પ્રકારની વાત ખતરનાક છે.