સંસદની સુરક્ષાની જવાબદારી હવે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ સંભાળશે
નવી દિલ્હીઃ સંસદમાં સુરક્ષા ચૂકનો માલમે વિપક્ષ દ્વારા મોદી સરકાર ઉપર આકરા પ્રહાર કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન હવે સંસદની સુરક્ષાની જવાબદારી કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)ને આપવામાં આવશે. આ સંદર્ભમાં સીઆઈએસએફને નિયમિત નિમણૂક પહેલા સંસદ સંકુલનો સર્વે કરવા માટે કહેવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલયે સર્વે કરવાનો આદેશ આપ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેના પત્રવ્યવહારમાં સીઆઈએસએફની સુરક્ષા અને ફાયર વિંગને નિયમિત નિમણૂક માટે સંસદ સંકુલનો સર્વે કરવા જણાવ્યું છે.
દિલ્હી પોલીસ હાલમાં સંસદ સંકુલની સુરક્ષા સંભાળી રહી છે. ઉલ્લેખનીય છે કે 13 ડિસેમ્બરે બે યુવકોએ પ્રેક્ષક ગેલેરીમાંથી કૂદીને લોકસભામાં હંગામો મચાવ્યો હતો. ત્યારથી સંસદની સુરક્ષાને લઈને વિપક્ષ સતત કેન્દ્ર સરકાર પર નિશાન સાધી રહ્યું છે. હાલમાં દિલ્હી પોલીસ સંસદ સંકુલની સુરક્ષા સંભાળી રહી છે.
CISF દેશના મહત્વના સંકુલોની સુરક્ષા સંભાળે છે. CISF દેશના મહત્વના કોમ્પ્લેક્સ, દિલ્હી મેટ્રો અને એરપોર્ટની સુરક્ષા સંભાળે છે. તે એક અર્ધલશ્કરી દળ છે જે દેશમાં સૌથી આધુનિક સુરક્ષા સાધનોથી સજ્જ છે. નોંધનીય છે કે સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF) 1969માં માત્ર ત્રણ બટાલિયનની તાકાત સાથે કેટલાક સંવેદનશીલ જાહેર ક્ષેત્રના ઉપક્રમોને સંકલિત સુરક્ષા કવચ પ્રદાન કરવા માટે અસ્તિત્વમાં આવ્યું હતું. ત્યારથી આ દળ એક પ્રીમિયર બહુ-કુશળ સંસ્થા તરીકે વિકસિત થયું છે. તેની વર્તમાન મંજૂર સંખ્યા 1,73,355 છે. હાલમાં, કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ સમગ્ર દેશમાં 358 સંસ્થાઓને સુરક્ષા કવચ પ્રદાન કરી રહ્યું છે. કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળની પોતાની આગ વિંગ પણ છે જે ઉપરોક્ત સંસ્થાઓમાંથી 112ને તેની સેવાઓ પૂરી પાડે છે.
એટલું જ નહીં, કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળના સુરક્ષા કવચમાં પરમાણુ સંસ્થાઓ, અવકાશ સંસ્થાઓ, એરપોર્ટ, બંદરો, પાવર પ્લાન્ટ વગેરે સહિત દેશની અત્યંત સંવેદનશીલ માળખાકીય સુવિધાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ મહત્વપૂર્ણ સરકારી ઇમારતો, પ્રતિષ્ઠિત હેરિટેજ સ્મારકો અને દિલ્હી મેટ્રોને રક્ષણ પૂરું પાડે છે. કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ પાસે વિશિષ્ટ VIP સુરક્ષા છે જે મહત્વપૂર્ણ વ્યક્તિઓને ચોવીસ કલાક સુરક્ષા પૂરી પાડે છે.