ઉત્તરપ્રદેશમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપના ધોવાણ માટે કેન્દ્રીય નેતૃત્વએ સમીક્ષા કરી
નવી દિલ્હીઃ નવી દિલ્હીઃ દેશમાં તાજેતરમાં જ યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ઉત્તરપ્રદેશમાં ભાજપાને ભારે નુકશાન સહન કરવું પડ્યું છે. લોકસભાની ચૂંટણીમાં ભારે ધોવાણને લઈને ભાજપા દ્વારા સમીક્ષા શરૂ કરવામાં આવી છે. દરમિયાન ઉત્તરપ્રદેશના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. બંને મહાનુભાવો વચ્ચે બંધ બારણે લગભગ એક કલાક સુધી ચર્ચા થઈ હતી. જેમાં ઉત્તરપ્રદેશમાં ભાજપના પ્રદર્શનને લઈને ચર્ચા કરવામાં આવી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાર્ટીનું કેન્દ્રીય નેતૃત્વ પરિણામોની સમીક્ષા કરવા અને લોકસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન પર પ્રતિક્રિયા લેવા માટે વિવિધ રાજ્યોના નેતાઓને મળી રહ્યું છે. એક દિવસ પહેલા, એટલે કે મંગળવારે (16 જુલાઈ 2024), કેન્દ્રીય નેતૃત્વએ યુપીના ડેપ્યુટી સીએમ કેશવ મૌર્ય અને યુપી બીજેપી અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી સાથે મુલાકાત કરી અને ફીડબેક લીધી હતી.
કહેવામાં આવી રહ્યું છે કે, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે અલગ-અલગ બેઠકમાં બંને નેતાઓએ કાર્યકર્તાઓની અવગણના અને વહીવટીતંત્ર દ્વારા પાર્ટી વિરુદ્ધ કરવામાં આવેલા કામને ચૂંટણીમાં પાર્ટીના ખરાબ પ્રદર્શનનું કારણ ગણાવ્યું છે. એકંદરે, ભાજપે તેના સમીક્ષા અહેવાલમાં આ હાર માટે વહીવટીતંત્રને જવાબદાર ગણાવ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આગેવાનોએ હાઈકમાન્ડને જણાવ્યું હતું કે, વહીવટીતંત્રની કાર્યશૈલીના કારણે કાર્યકરોની અવગણના થઈ રહી છે. ઉપેક્ષાને કારણે કાર્યકરો ચૂંટણીમાં સક્રિય જોવા મળ્યા ન હતા. એટલું જ નહીં, આ નેતાઓએ એમ પણ કહ્યું કે વહીવટીતંત્રે મતદાર યાદીમાંથી ભાજપના મતદારોના નામ કાઢી નાખ્યા. વહીવટીતંત્રની ટીમે પણ કોઈ મદદ કરી ન હતી. વહીવટીતંત્રે પક્ષ વિરુદ્ધ કામ કર્યું. દરેક સીટ પર ચોક્કસ પેટર્નને પગલે ભાજપની વોટબેંક ઘટી છે.