ભાવનગરઃ દેશમાં વ્હિકલ સ્ક્રેપ અંગેની વિસ્તૃત પોલીસી ટુંક સમયમાં ઘોષિત થવાની છે, તે પૂર્વે ભાવનગરના અલંગ ખાતે વ્હિકલ સ્ક્રેપ યાર્ડ સ્થાપવા માટે ભારત સરકારના રોડ-ટ્રાન્સપોર્ટ મંત્રાલયની ટુકડી ભાવનગર અને અલંગની મુલાકાતે આવી પહોંચી હતી, અને પોલીસી તૈયાર કરતા પૂર્વેનો અંતિમ રીપોર્ટ મંત્રાલયને સુપરત કરશે.
ભાવનગર જિલ્લામાં અલંગ ખાતે વ્હિકલ સ્ક્રેપ યાર્ડ સ્થાપવા માટે જમીની હકીકતનો તાગ મેળવવા, સંભવિત રોકાણકારો સથે વાતચીત કરવા, શિપબ્રેકિંગ સાથેનું કોમન ઇન્ફ્રાસ્ટ્રકચર નિહાળવા કેન્દ્રીય રોડ-ટ્રાન્સપોર્ટ મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી અમીત વર્ધાનાની અધ્યક્ષતામાં નિષ્ણાંતોની ટુકડી ભાવનગર આવી પહોંચી હતી, આજે અધિકારીઓએ અલંગ, તેની આજુબાજુના ઇન્ફ્રાસ્ટ્રકચરની મુલાકાત લીધી હતી. વ્હિકલ સ્ક્રેપ યાર્ડ ભારતમાં ઝડપથી શરૂ કરવા માટેની વિસ્તૃત પોલીસી કેન્દ્ર સરકાર દ્વારા ઘડવામાં આવી રહી છે, અને તેનો ગ્રાસરૂટ લેવલે અભ્યાસ કરવા માટેની નિષ્ણાંત અધિકારીઓની ટીમ આવી પહોંચી છે.
ભાવનગર આરટીઓ ડી.એચ.યાદવના જણાવ્યા પ્રમાણે, શનિવારે નિષ્ણાંત પ્રતિનિધિ મંડળ અલંગની મુલાકાત લેશે. ત્યાં કામદાર તાલીમ સંકુલ, લેબર હાઉસિંગ કોલોની, ટીએસડીએફ સાઇટ, ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ, રસ્તા, લાઇટ, પાણી સપ્લાય, કનેક્ટિવિટી સહિતની બાબતોની ચકાસણી કરશે.ભાવનગર જિલ્લામાં અલંગ ખાતે વિશ્વનો સૌથી મોટો શિપબ્રેકિંગ વ્યવસાય વર્ષોથી સ્થાપિત થયેલો છે અને વ્હિકલ સ્ક્રેપ યાર્ડમાં વાહનો તોડવા માટે લાવવાની પ્રક્રિયાઓ પણ શિપબ્રેકિંગની જેવી જ હોઇ શકે છે, ઉપરાંત આ બંને વ્યવસાયોમાં કામદારોની તાલીમ, જોખમી કચરો નિકળે તેનો યોગ્ય નિકાલ સહિતની બાબતો પણ વિચાર માગી લે તેવી છે. વળી, જિલ્લામાં મોટા પ્રમાણમાં રી-રોલિંગ મિલો આવેલી હોવાથી વાહનો ભાંગવામાંથી નિકળતો સ્ક્રેપ નજીકના અંતરે જ વેચી શકાય છે. આમ, તમામ શક્યતાઓ ભાવનગરની તરફેણમાં છે.
અલંગ શિપબ્રેકિંગ યાર્ડની પધ્ધતિઓ અને વ્હિકલ સ્ક્રેપ યાર્ડની પધ્ધતિઓ લગભગ સરખી હોઇ શકે છે. શિપબ્રેકિંગ માટેની કામદાર તાલીમ સંકુલ, જોખમી કચરાના સંચાલન માટે આધૂનિક ટીએસડીએફ સાઇટ, ટ્રાન્સપોર્ટેશન, સંલગ્ન બજારો આવેલા છે, જે નવા પ્રોજેક્ટને એકદમ અનૂકુળ થઇ શકે છે. ઉપરાંત વ્હિકલ સ્ક્રેપ યાર્ડમાંથી નિકળતો માલ ભાવનગર જિલ્લાની 150 રી-રોલિંગ મિલોમાં કાચા માલ તરીકે પણ ઉપયોગમાં આવી શકે છે, તેથી ઉદ્યોગકારોને માલ વેચાણની પણ કોઇ સમસ્યાઓ નડે તેમ નથી.