રાજકોટઃ શહેરના TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા 25મી જુને રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા અપાયેલા બંધના એલાનને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ટેકો જાહેર કરી વેપારીઓને બંધમાં જોડાવવા અપીલ કરવામાં આવી છે. તેમજ NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા પણ શાળા સંચાલકોને મળી બંધ પાડવા અપીલ કરી છે. જેમાં મોટા ભાગની સ્કૂલોએ સામેથી સ્વૈચ્છિક બંધ માટે સહમતી દાખવી છે. જો કે, જે સ્કૂલો બંધ નહિ પાળે તેમને હાથ જોડી બંધમાં જોડાવવા અપીલ કરવામાં આવશે.
રાજકોટમાં સર્જાયેલા TRP ગેમ ઝોનના અગ્નિકાંડમાં 27નો ભોગ લેવાતા સરકારી તંત્રની નિષ્ક્રિયતા સામે સવાલો ઊભા થયા છે. સરકારે આ બનાવને પગલે તાત્કાલિક સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (સીટ) રચીને ગેમ ઝોનના સંચાલકો સહિત મ્યુનિ.ના અધિકારીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. દરમિયાન કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો હતો કે, આ બનાવમાં સરકારે નાની માછલીઓને પકડીને મગર મચ્છોને બચાવી લીધા છે. અગ્નિકાંડના પિડિતોને ન્યાય મળે તે માટે કોંગ્રેસ દ્વારા 25મી જુને રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ બંધના એલાનને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સએ ટેકો જાહેર કર્યો છે. અને લેખિતમાં દરેક વેપારીઓને પત્ર મોકલી જાણ કરવામાં આવી છે કે, રાજકોટના કાલાવાડ રોડ પર આવેલ ટીઆરપી ગેમ ઝોનમાં ભયાનક આગ લાગવાથી દુર્ભાગ્યપુર્ણ ઘટના સર્જાઈ હતી. રાજકોટ માટે આ ઘટના અત્યંત દુ:ખદ દાયક હતી. આ કરૂણ બનાવમાં 27 નિર્દોષ લોકોએ પોતાની જીંદગી ગુમાવી છે. આગામી 25.06.2024ના રોજ પ્રથમ માસિક પુણ્યતિથિ છે તો 25.06.2024ને મંગળવારના રોજ તમામ વેપાર-ઉદ્યોગકારોને પોતાના ધંધા રોજગાર સ્વૈચછીક રીતે અડધો દિવસ બંધ રાખવા અપીલ કરવામાં આવી છે.
ગુજરાત પ્રદેશ NSUI પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેર NSUI તેમજ યુથ કોંગ્રેસની ટીમ દ્વારા રાજકોટની અલગ-અલગ સ્કૂલના સંચાલકો સાથે બેઠક યોજી સ્વૈચ્છિક બંધ રાખવા અપીલ કરવામાં આવી હતી. જેમાં મોટા ભાગની સ્કૂલના સંચાલકો સ્વૈચ્છિક બંધ રાખી બંધમાં જોડાશે તેવી બાહેધરી આપી છે. આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી, પરંતુ રાજકોટમાં બનેલી દુર્ઘટનાના મૃતકોને ન્યાય માટે કાર્યક્રમ છે, તો બધાને આ બંધમાં જોડાવવા અમારી હાથ જોડી નમ્ર અપીલ અને અરજ છે. જો કોઈ સ્કૂલ-કોલેજ 25 તારીખના રોજ બંધ નહિ પાળે તો તેમને બે હાથ જોડી વિનંતી કરી બંધ પાળવા અપીલ કરવામાં આવશે.