અમદાવાદઃ દેશમાં કોરોનાને કારણે જાહેર પરિવહન સેવાને ખૂબ નુકશાન થયું હતું. જેમાં પશ્વિમ રેલવેએ પુનઃ સેવા શરૂ કર્યા બાદ અનેક ટ્રેનોના સમયમાં ફેરફાર કરી દીધો હતો. કોરોના મહામારીને કારણે 2020-2021માં નવું સમયપત્રક જાહેર કર્યું નહોતું. જો કે, હવે રેલવે આજે તા1લી ઓક્ટોબરથી જનતા માટે ટ્રેનોનું નવું સમયપત્રક જાહેર કર્યું છે. જોકે, હજુ પણ પ્રવાસીઓને રેગ્યુલર ટ્રેનની સુવિધા નહીં મળે, કેમકે નવું સમયપત્રક જાહેર કરવા છતાં તમામ ટ્રેનોને હજુ સ્પેશિયલ ટ્રેન તરીકે જ દોડાવાશે. જેથી પેસેન્જરોને નાછૂટકે રેગ્યુલર ટ્રેનની સરખામણીએ સ્પેશિયલ ટ્રેનોમાં વધુ ભાડું ચૂકવવું પડશે.
સૂત્રોના જણાવ્યા મુજબ કોરોના મહામારી શરૂ થયા બાદ રેલવેએ ટ્રેનોનું સંચાલન બંધ કરી દીધું હતું. આ સમય દરમિયાન ઉચ્ચ અધિકારીઓએ પેસેન્જરોની સુવિધા માટે રેલવેના આધુનિકરણની સાથે અનેક ટ્રેનોના સ્ટોપેજ ઘટાડી સ્પીડ વધારવાની પ્રક્રિયા શરૂ કરી હતી. તે માટે રેલવેએ ખાનગી સંસ્થાની પણ મદદ લીધી હતી. જો કે અનલોક શરૂ થયા બાદ રેલવેએ કેટલીક ટ્રેનો શરૂ કરી હતી, પરંતુ આ ટ્રેનો રેગ્યુલરના બદલે સ્પેશિયલ ટ્રેન તરીકે દોડાવાતી હતી. તબક્કાવાર ટ્રેનો શરૂ કરાતા હાલ 85 ટકાથી વધુ ટ્રેનો શરૂ કરી દેવાઇ છે. જ્યારે કેટલીક મેમુ-ડેમુ અને લોકલ ટ્રેનો પણ શરૂ કરાઇ છે પરંતુ તમામ ટ્રેનો સ્પેશિયલ ટ્રેન તરીકે દોડાવાઇ રહી છે. મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાં 5 ટકાથી 25 ટકા સુધીનું વધુ ભાડું વસૂલવાની સાથે શરૂ કરેલી મેમુ-ડેમુ અને લોકલ ટ્રેનોમાં પણ લોકલને બદલે મેલ એક્સપ્રેસનું ભાડું વસૂલાઇ રહ્યું છે.
અમદાવાદ ડિવિઝનમાં જે ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરાયો છે જેમાં ટ્રેન નંબર 09031 અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ સ્પેશિયલ ટ્રેન- અમદાવાદ સ્ટેશનથી ઉપડવાનો હાલનો સમય 10:55 કલાકને બદલે 10:50 કલાકનો રહેશે. ટ્રેન નંબર 09221 અમદાવાદ-જમ્મુ તાવી સ્પેશિયલ ટ્રેન- અમદાવાદ સ્ટેશનથી ઉપડવાનો હાલનો સમય 11:10 કલાકને બદલે 11:05 કલાકનો રહેશે ટ્રેન નંબર 09222 જમ્મુ તાવી – અમદાવાદ સ્પેશિયલ ટ્રેન- અમદાવાદ સ્ટેશન પર આવવાનો સમય 13:40 કલાકને બદલે13:45 કલાકનો રહેશે. ટ્રેન નંબર 09402 હિંમતનગર – અસારવા સ્પેશિયલ ટ્રેન- હિંમતનગરથી ઉપડવાનો હાલનો સમય 05:30 કલાકને બદલે 06:00 કલાકનો રહેશે. ટ્રેન નંબર 09401 અસારવા-હિંમતનગર સ્પેશિયલ ટ્રેન- અસારવા સ્ટેશનથી 19.00 કલાકને બદલે 19:10 કલાકે ઉપડશે