Site icon Revoi.in

મુખ્યમંત્રી વરસાદી તારાજીનું નિરિક્ષણ કરવા જતાં હેલિકોપ્ટરમાં ખામી સર્જાતા પરત ફરવું પડ્યું

Social Share

અમદાવાદઃ રાજ્યના અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોની જાત માહિતી મેળવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવાઈ નિરિક્ષણ કરી રહ્યા છે. તેમણે સૌરાષ્ટ્રના દ્વારકા સહિતના વિસ્તારોમાં હવાઈ નિરીક્ષણ કર્યા બાદ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હવાઈ નિરિક્ષણ માટે સુરત સુધી સરકારી વિમાનમાં અને ત્યાંથી હેલિકોપ્ટરમાં સાપુતારા જવાના હતા.તેથી અમદાવાદથી ખાનગી કંપનીનું હેલિકોપ્ટર સુરત જવા રવાના કર્યું હતું પણ તેમાં યાંત્રિક ખામી સર્જાતા અધવચ્ચેથી હેલિકોપ્ટર અમદાવાદ પરત ફર્યું હતુ. તેના લીધે મુખ્યમંત્રીને કાર્યક્રમ રદ કરવાની ફરજ પડી હતી.

ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રકચર કંપની (ગુજસેલ)એ સરકાર માટે ખાનગી કંપનીના ભાડે લીધેલા પવનહંસ હેલિકોપ્ટરમાં ગુરૂવારે ટેકનિકલ ખામી સર્જાઈ હતી. પાઇલટે સુરક્ષાના કારણોસર હેલિકોપ્ટરને અધવચ્ચેથી પાછું વાળી અમદાવાદ એરપોર્ટ લવાતા  મુખ્યમંત્રીએ તેમનો એ પછીનો કાર્યક્રમ રદ કરવો પડ્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભારે વરસાદથી સર્જાયેલી તારાજીનું નિરીક્ષણ કરવા અમદાવાદથી સુરત સરકારી વિમાનમાં અને ત્યાંથી સાપુતારા હેલિકોપ્ટરમાં જવાના હતા. મુખ્યમંત્રીના પ્લાન મુજબ ગુજસેલે સવારે 9 વાગ્યાની આસપાસ અમદાવાદથી ખાલી હેલિકોપ્ટર સુરત રવાના કર્યું હતું, પરંતુ વડોદરા નજીક પહોંચતા જ હેલિકોપ્ટરનું જનરેટર ફેલ થઇ ગયું હતું, જેના કારણે હેલિકોપ્ટર પરત અમદાવાદ આવ્યું હતું. જો કે તેમાં સીએમ બેઠેલા ન હતા. ખરાબ વાતાવરણથી સીએમનો કાર્યક્રમ રદ થયો હતો. ગુજસેલના સત્તાધીશોએ ઊંચું ભાડું ચુકવી સરકાર માટે સ્ટેન્ડ બાય રાખેલા પવનહંસ હેલિકોપ્ટરની અનેક વખત અકસ્માતની હિસ્ટ્રી છે. આ અંગે ગુજસેલનો ડિરેકટરના સૂત્રોએ જણાવ્યું કે હેલિકોપ્ટર સવારે ટેકનિકલ ખામીથી રિટર્ન આવ્યું હતું. આમપણ ખરાબ વાતાવરણથી સીએમનો પ્રવાસ પણ રદ થયો હતો.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, થોડા દિવસ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગર અને દ્વારકામાં પડેલા ભારે વરસાદથી થયેલા નુકશાન અંગે નિરીક્ષણ કરવા સરકારી હેલિકોપ્ટર લઇને ગયા ગયા હતા જો કે હેલિકોપ્ટર આવ્યા બાદ ટેકનિકલ ખામી સર્જાતા મેઇન્ટેન્સમાં ગયું હતું. ત્યારબાદ ગુરૂવારે ફરીથી સીએમને જરૂર પડતા ગુજસેલે સ્ટેન્ડ બાય રાખેલા ખાનગી કંપનીનું હેલિકોપ્ટર રવાના કર્યું પણ યાંત્રિક ખામીથી અધ વચ્ચેથી પાછું આવ્યું હતું. (File photo)