મુખ્યમંત્રીએ અમદાવાદના દસક્રોઈ તાલુકાના પીરાણા ખાતેથી ‘રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો
અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં દસક્રોઈ તાલુકાના પીરાણા ખાતેથી રાજ્યવ્યાપી ‘રવિ કૃષિ મહોત્સવ – 2023’નો પ્રારંભ કરાવ્યો હતો. અમદાવાદ ખાતે રાજ્યકક્ષાના કાર્યક્રમ સાથે જિલ્લાના તમામ 9 તાલુકાઓ સહિત રાજ્યભરના 246 તાલુકાઓમાં બે દિવસીય ‘રવિ કૃષિ મહોત્સવ – 2023 ઊજવાયો. રાજ્યકક્ષાના કાર્યક્રમમાં અમદાવાદ ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલ તથા કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યવ્યાપી ‘રવિ કૃષિ મહોત્સવ -2023’ના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, એક સમય એવો પણ હતો કે રાજ્યમાં ખેતી ‘કનિષ્ઠ’ બની હતી. ખેડૂતો ખેતી છોડી રહ્યા હતા. આવા કપરાં સમયે રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કૃષિ ક્ષેત્રની કાયાપલટ કરવાના સંકલ્પ સાથે કૃષિ મહોત્સવો અને કૃષિ મેળાઓ યોજવાની શરૂઆત કરી હતી. ‘લેબ ટુ લેન્ડ’ના અભિગમ સાથે કૃષિ સંશોધનોને ખરા અર્થમાં જમીન પર લાવવા અને તેનો મહત્તમ લાભ ખેડૂતોને પહોંચાડવાના ઉદ્દેશ સાથે વર્ષ 2005થી શરૂ કરવામાં આવેલા કૃષિ મહોત્સવોએ ખરા અર્થમાં કૃષિ ક્રાંતિ સર્જી છે. 15 જેટલા કૃષિ મહોત્સવોમાં 2 કરોડ જેટલાં ખેડૂતોએ માર્ગદર્શન મેળવ્યું છે અને કૃષિ ક્ષેત્રે પછાત ગણાતું ગુજરાત ડબલ ડિજિટ ગ્રોથ મેળવવામાં સફળ થયું છે, એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ દેશ અને રાજ્યમાં કૃષિ ક્ષેત્રના વિકાસ અંગે વધુમાં વાત કરતા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સેવા અને સુશાસનના મંત્ર સાથે ગરીબ, પીડિત,વંચિત અને ખેડૂતોના હિતની અને વિકાસની ચિંતા કરી. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને સમયને અનુરૂપ આધુનિક ખેતી તરફ વાળવા માટેના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા. દેશના કૃષિ મંત્રાલયનું નામ બદલીને કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલય કરવામાં આવ્યું છે, એવું તેમણે ઉમેર્યું હતું.
‘રવિ કૃષિ મહોત્સવ -2023’ના ઉદ્ઘાટન પ્રસંગે પોતાના ઉદ્બોધનમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વર્ષ 2005થી પ્રારંભ કરાવેલ કૃષિ મહોત્સવ અને કૃષિ મેળાઓ યોજવાની પરંપરા ગુજરાત સરકારે આગળ ધપાવી છે.
નરેન્દ્રભાઈના વિઝનથી કૃષિ ક્ષેત્રના સર્વાંગી વિકાસ અને ખેડૂતોના ઉત્કર્ષ માટે જે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા, તેના પરિણામે ગુજરાત આજે કૃષિ વિકાસમાં અગ્રેસર છે, એવું તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે પોતાના સંબોધનમાં કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી અને ખેડાના સંસદ સભ્ય દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કૃષિ મેળાનો પ્રારંભ કરેલો ત્યારે હરિતક્રાંતિના પ્રણેતા ડૉ. સ્વામીનાથને કહેલું કે ગુજરાતના મુખ્યમંત્રી જે કરી રહ્યા છે, તે દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓએ કરવું જોઈએ. ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે, તેમાં દરેક ક્ષેત્રની સાથોસાથ કૃષિ ક્ષેત્રની પ્રગતિનો પણ ફાળો છે, એમ તેમણે ઉમેર્યું હતું.