Site icon Revoi.in

મુખ્યમંત્રીએ વિડિયો કોન્ફરન્સથી ‘વિકસિત ભારત યાત્રા’ના કર્મચારીઓ સાથે કર્યો સંવાદ

Social Share

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓ, પ્રજાજનો અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના ત્રિવેણી સંગમના સહયોગથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાને જ્વલંત સફળતા મળી છે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ નાનામાં નાના અને છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણ યોજનાઓના લાભ ઘેરબેઠા પહોંચાડવાની પ્રતિબદ્ધતા સાથેનો મોદીજીની ગેરંટીનો રથ ગામેગામ વ્યાપક જનપ્રતિસાદ મેળવી રહ્યો છે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત મંગળવારે રાજ્યના ખેડા, અમદાવાદ, ભાવનગર અને વડોદરા જિલ્લાઓના ગ્રામ્ય વિસ્તારોમાં યોજાયેલી યાત્રામાં ઉપસ્થિત ગ્રામજનો તથા યાત્રાના રથના સારથિઓ અને યોજનાકીય લાભોની માહિતી લોકો સુધી પહોંચાડનારા યાત્રાના ફિલ્ડ સ્ટાફના કર્મયોગીઓ સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા સંવાદ કર્યો હતો.

તેમણે કહ્યું કે, દેશના ગામડાઓમાં વસનારા છેવાડાના માનવીને પણ તેને મળવાપાત્ર યોજનાકીય લાભ પહોંચાડવાની સાથે ગ્રામ્યસ્તર સુધી સરકારને લઈ જવાનો વડાપ્રધાનશ્રીનો નવતર વિચાર આયોજનબદ્ધ રીતે પાર પડી રહ્યો છે. લોકોમાં હવે વિશ્વાસ અને ભરોસો જાગ્યો છે કે મોદીજીની ગેરંટીનો આ રથ તેમના ગામમાં આવતાં જ સરકારની યોજનાના લાભ તેમને મળશે.

મુખ્યમંત્રીએ જે લોકોએ આવા લાભ મેળવ્યા છે, તેમને અનુરોધ પણ કર્યો કે તેમની આસપાસના જે લોકો લાભ લેવાથી વંચિત રહ્યા છે તેમને પણ કલ્યાણ યોજનાઓનો લાભ અપાવે અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય મેળવે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આ યાત્રા સાથે જોડાયેલા કર્મયોગીઓને પ્રેરણા આપતા કહ્યું કે, જનસેવા એ જ પ્રભુસેવાને સાકાર કરવાનો અવસર તેમને મળ્યો છે ત્યારે જનજન સુધી યોજનાના લાભ આપી પાર પાડવાનું દાયિત્વ તેઓ નિભાવે. ભૂપેન્દ્ર પટેલે ખેડા જિલ્લામાં પહોંચેલી આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં રથના ચાલક સાથે તેમને યાત્રા દરમિયાન થયેલા અનુભવો, યોજનાઓ વિશે જાણવા સમજવાની લોકોની ઉત્સુકતા અંગે તથા દોઢ-બે મહિનાથી પોતાના ઘર-પરિવારથી દૂર રહી ગામડાઓ ખૂંદતા આ સારથીની સેવાપરાયણતા અંગે લાગણીસભર સંવાદ કર્યો હતો.

ખેડૂતોને ડ્રોન ટેક્નોલોજીથી દવા છંટકાવનું નિદર્શન આપતા ડ્રોન ઓપરેટર પાસેથી ગ્રામીણ ખેડૂતો દ્વારા થતા અનુભવો અંગેની માહિતી પણ મુખ્યમંત્રીએ મેળવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારત સંકલ્પ યાત્રાથી વડાપ્રધાન નરેન્દ્રભાઈનો વિકસિત ભારત@2047નો સંકલ્પ પાર પાડવામાં ગુજરાત હંમેશાંની જેમ વિકસિત ગુજરાતથી વિકસિત ભારત દ્વારા  અગ્રેસર રહેશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.

આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રાજ્યના 12,500થી વધુ ગામોમા પૂર્ણ થઈ છે. 11 હજારથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીની જાણકારી મેળવી છે.

આ ઉપરાંત 11,300થી વધુ ગ્રામ પંચાયતોમાં લેન્ડ રેકર્ડ ડિજિટાઈઝેશન 100 ટકા પૂર્ણ થયું છે અને 1.66 લાખ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાના અને 26.35  લાખથી વધુ પ્રધાનમંત્રી જનઆરોગ્ય પી.એમ.જે.એ.વાય. કાર્ડ ઈશ્યુ કરવામાં આવ્યા છે, તેની વિસ્તૃત વિગતો પંચાયત અગ્ર સચિવ શ્રીમતી મોના ખંધારે આપી હતી.