પાલનપુરઃ શહેરમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (પીપીપી) ના ધોરણે રૂ.37.28 કરોડના ખર્ચથી આઇકોનિક એસટી બસ સ્ટેશનનું નિર્માણ કરાયુ છે. નવ નિર્મિત એસટી બસ સ્ટેશનનું આગામી તા. 4 જૂન-2022ને શનિવારના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાશે. ઉપરાંત વડગામ તાલુકાના સીસરાણા ખાતે 220 કે. વી. સબ સ્ટેશનનું ઇ-ખાતમૂર્હત પણ કરાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે શનિવારે આવી રહ્યા છે.મુખ્યમંત્રીના હસ્તે પાલનપુર શહેરમાં નવ નિર્મિત એસટી બસ સ્ટેશનનું ઉદ્ધાટન કરાશે. તેમજ સેવા સેતુ કાર્યક્રમમાં પણ મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે મુખ્યમંત્રીના આ કાર્યક્રમોને અનુલક્ષી પાલનપુર કલેકટર કચેરી ખાતે કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લાના અધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં મુખ્યમંત્રીના કાર્યક્રમને સંદર્ભે પ્રોટોકોલ પ્રમાણે કરવાની થતી કામગીરી અંગે કલેકટરે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વડગામ તાલુકાના સીસરાણા ખાતે 220 કે. વી. સબ સ્ટેશનનું ઇ-ખાતમૂર્હત પણ કરાશે. મુખ્યમંત્રીની મુલાકાતને સફળ બનાવવા માટે વહિવટી તંત્ર કામે લાગ્યુ છે. એસટી બસ સ્ટેશનના ઉદ્ધાટનમાં શહેરીજનોને આમંત્રણ આપી દેવામાં આવ્યા છે. પ્રવાસીઓને પુરતી સુવિધા મળી રહે તેનું નવા બસ સ્ટેશનમાં ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપના ધોરણે રૂ. 37.28 કરોડના ખર્ચથી આઇકોનિક બસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. બનાસકાંઠા એસ.ટી. ડિવીઝન દ્વારા દિવસ દરમિયાન કુલ- 1920 ટ્રીપો ચલાવી જિલ્લાના લોકોને પરિવહન સુવિધા પુરી પાડવામાં આવે છે.