રાજકોટઃ રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા 9.30 કરોડના ખર્ચે આજી ડેમની બાજુમાં બનાવવામાં આવેલા ભવ્ય રામવન (અર્બન ફોરેસ્ટ)નું નિર્માણ કાર્ય પુરૂ થઇ ચૂકયું છે ત્યારે હવે ઉદઘાટનનો દિવસ લગભગ નકકી થઇ ગયો છે. મુખ્યમંત્રીની રાજકોટ મુલાકાત વખતે તેમને રામવનનું લોકાપર્ણ અને લોકમેળાનું ઉદઘાટન માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રીએ અનુમતી આપી છે. આ રામવનનું લોકાર્પણ તા. 17ના બુધવારે લોકમેળાના દિવસે જ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટ મ્યુનિ. કોર્પોરેશને ત્રણ વર્ષ પહેલા અર્બન ફોરેસ્ટ પ્રોજેકટ બનાવ્યો હતો. તે બાદ રામાયણ યુગને યાદ કરાવતા રામવનનું નિર્માણ જોડવામાં આવ્યું હતું. શહેરના પૂર્વ છેડે વોર્ડ નં.1પમાં આજી ડેમ પાસેના ડાઉન સ્ટ્રીમ વિસ્તારમાં 47 એકર જગ્યામાં 7.61 કરોડના ખર્ચે અર્બન ફોરેસ્ટ વિકસાવવામાં આવ્યું છે. બીજા તબકકામાં રામવન થીમ આધારીત સ્કલ્પચર તથા બ્યુટીફીકેશનનું કામ કરાયું છે. 1.61 કરોડના ખર્ચે આ સ્કલ્પચર અને બ્યુટીફીકેશન કરવામાં આવ્યા છે. જે કામો પૂર્ણ થયા છે.
તાજેતરમાં કમિશ્નર અમિત અરોરા, મેયર ડો. પ્રદીપ ડવ, સ્ટે.ચેરમેન પુષ્કર પટેલ સહિતના અધિકારીઓ-પદાધિકારીઓએ રામવન સાઇટની વિઝીટ લીધી હતી. હવે છેલ્લા તબકકાનું ટચીંગ કામ પણ પૂર્ણ થઇ ગયું છે. લોકાર્પણ માટે અગાઉ વડાપ્રધાન વર્ચ્યુઅલ જોડાઇ તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ હવે તહેવારમાં જ લોકોને આ ભેંટ મળી જાય તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ઉદઘાટન ફાઇનલ થઇ ગયુ છે. તા. 17ના બુધવારે છઠ્ઠના દિવસે મુખ્યમંત્રી રાજકોટના પરંપરાગત લોકમેળાનું ઉદઘાટન કરશે. આ જ દિવસે રામવનનું લોકાર્પણ પણ કરાશે. સાતમ-આઠમની રજાઓમાં મેળા ઉપરાંત આજી ડેમ, પ્રદ્યુમન પાર્ક, ન્યારી ડેમ સહિતના ફરવાના સ્થળો સાથે રામવનનું નઝરાણુ પણ લોકો માણી શકશે.
આ જગ્યાએ વિશાળ મુખ્ય ગેટ તીર સાથેનો બનાવવામાં આવ્યો છે. ભગવાન શ્રી રામ, સીતાજી, લક્ષ્મણજી, હનુમાનજીની જીવંત જેવી પ્રતિમાઓ બનાવવામાં આવી છે. જટાયુ દ્વાર, વનવાસ સહિતના પ્રસંગો, ચાખડી, સંજીવની પહાડ, રામ રાજયાભિષેક, સોફા ટાઇપ કલાત્મક બેંચ, રેલીંગ, ગઝેબો, પુલ, યોગાસન સહિતના સ્કલ્પચર આકર્ષણો ઊભા કરાયા છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજકોટમાં નિર્માણ કરાયેલા રામવનમાં જુદા જુદા પ્રકારના સ્કલ્પચર સાથે પાથ-વે અને લાકડાના પુલ પણ બન્યા છે. યોગ કરતા બાળકોની પ્રતિકૃતિ પણ આકર્ષે તેમ છે. કુલ 1.9ર લાખ ચો.મી. જગ્યામાં 3.4 કિલોમીટરના વિશાળ રસ્તા તૈયાર થઇ ગયા છે. ર4પ0 મીટરની કમ્પાઉન્ડ વોલ અંદર બે મોટા તળાવ છે. કુદરતી પાણીના સ્ત્રોતનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. રામસેતુ ઉપરાંત પ્લે ગ્રાઉન્ડ, એમ્ફી થિયેટર, રાશીવન, સોલાર લાઇટ વગેરે સાથે પીકનીક પોઇન્ટ અને ધાર્મિક અનુભૂતિનો અનુભવ લોકોને થવાનો છે.