Site icon Revoi.in

દેશમાં એક સપ્તાહમાં નાગરિકતા સંશોધન અધિનિયમ લાગુ કરી દેવાશેઃ કેન્દ્રીય મંત્રી શાંતનું ઠાકોર

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુરે નાગરિકતા સંશોધન કાયદા (CAA)ને લઈને એક કાર્યક્રમમાં દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે, દેશમાં એક અઠવાડિયામાં CAA લાગુ કરવામાં આવશે. તેમણે પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણાના કાકદ્વીપમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આ વાત કહી હતી. તેમણે કહ્યું- હું મંચ પરથી ખાતરી આપું છું કે આગામી 7 દિવસમાં આ કાયદો માત્ર બંગાળમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં લાગુ થઈ જશે.

શાંતનુ ઠાકુરે ગયા વર્ષે ડિસેમ્બરમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના ભાષણનો પણ ઉલ્લેખ કર્યો હતો જેમાં અમિત શાહે નાગરિકતા સંશોધન કાયદાને ‘દેશનો કાયદો’ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે, તેના અમલીકરણને કોઈ રોકી શકશે નહીં. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર પણ સીએએને લઈને લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લાગાવ્યો હતો. કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકોરના આ દાવાને પગલે દેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની એનડીએ સરકાર સીએએનો કાયદો લાવી હતી. CAA કાયદા હેઠળ, 31 ડિસેમ્બર, 2014 સુધી બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી ભારતમાં આવેલા અત્યાચારિત બિન-મુસ્લિમો (હિંદુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી) ને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. આ કાયદો ડિસેમ્બર 2019માં સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. સંસદ દ્વારા પસાર થયા બાદ તેને રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માટે મોકલવામાં આવ્યો હતો. જો કે, આ પછી, કાયદાની વિરુદ્ધ દેશના વિવિધ રાજ્યોમાં વિરોધ શરુ થયો હતો. દિલ્હીમાં પણ ઘણા મહિનાઓ સુધી (શાહીન બાગ અને કેટલાક અન્ય વિસ્તારો સહિત) વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીની આગેવાની હેઠળની ટીએમસી સરકારે 2020માં CAA વિરુદ્ધ ઠરાવ પસાર કર્યો હતો. આવો પ્રસ્તાવ લાવનાર પશ્ચિમ બંગાળ ચોથું રાજ્ય બન્યું હતું. ત્યારે મમતા બેનર્જીએ જાહેરાત કરી હતી કે, “અમે બંગાળમાં CAA, NPR અને NRC લાગુ થવા દઈશું નહીં.”