બેંગલુરુ 2023માં ભારતમાં ઈલેક્ટ્રિક કારને અપનાવવામાં સૌથી આગળ રહ્યું છે અને દિલ્હી, મુંબઈ અને પુણે જેવા શહેરોને પાછળ છોડી દીધા છે. ગયા વર્ષે બેંગલુરુમાં 8,690 ઇલેક્ટ્રિક કારનું વેચાણ નોંધાયું હતું. જે આ સેગમેન્ટમાં વાર્ષિક ધોરણે 121.2 ટકાની નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે. કેમ કે શહેરમાં ઈલેક્ટ્રિક કારના 2,479 યુનિટનું વેચાણ નોંધાયું હતું.
ઓટોમોટિવ બિઝનેસ ઇન્ટેલિજન્સ ફર્મ મુજબ, ગયા વર્ષે સમગ્ર ભારતમાં ઇલેક્ટ્રિક કારના કુલ 87,927 યુનિટ નોંધાયા હતા. જે વર્ષ 2022ની સરખામણીમાં 143.7 ટકાનો વાર્ષિક વધારો દર્શાવે છે. 2023માં કુલ ઈલેક્ટ્રિક કારની નોંધણીની દ્રષ્ટિએ દિલ્હી બીજા ક્રમે હતું, જેમાં 8,211 યુનિટના વેચાણ નોંધાયા હતા. હૈદરાબાદ, મુંબઈ અને પૂણે અનુક્રમે 6,408 યુનિટ્સ, 5,425 યુનિટ્સ અને 3,991 યુનિટ્સ સાથે ત્રીજા, ચોથા અને પાંચમા ક્રમે છે.
2022 માં, મુંબઈ સૌથી આગળ હતું, શહેરમાં સૌથી વધુ સંખ્યામાં ઈલેક્ટ્રિક કાર નોંધાઈ હતી. 2022માં શહેરમાં કુલ 4,745 ઈલેક્ટ્રિક કારનું વેચાણ નોંધાયું હતું. દિલ્હી, પુણે, બેંગલુરુ અને હૈદરાબાદ અનુક્રમે 3,748 એકમો, 2914 એકમો, 2,479 એકમો અને 2,225 એકમો સાથે ટોચના પાંચ સ્થાનોમાં અન્ય શહેરો હતા.
બેંગલુરુમાં ઈલેક્ટ્રિક કારના રજિસ્ટ્રેશનમાં આ ઉછાળા પર બોલતા, જાટો ડાયનેમિક્સ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ અને ડિરેક્ટર રવિ જી ભાટિયાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે શહેરની ટેક-સેવી વર્કફોર્સ, બહેતર રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મજબૂત ઈવી ઈકોસિસ્ટમ, ચાર્જિંગ માટે સબસિડી સહિત ઈલેક્ટ્રિક પાવર અને વ્યાપક જાહેર ચાર્જિંગ સ્ટેશનોએ આ તેજીને પ્રેરિત કરી છે.