Site icon Revoi.in

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના સિવિક સેન્ટર સોમવારથી પુનઃ કાર્યરત થઈ જશે

Social Share

અમદાવાદઃ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા સરકારે કેટલાક નિયંત્રણો મુક્યા હતા. હવે કોરોનાના કેસ ઘટી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે નિયંત્રણો હળવા કરતાં અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને પણ સોમવારથી ૪૮થી વધુ સીટી સિવિક સેન્ટર શરૂ કરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે.

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના સૂત્રોનાં જણાવ્યા અનુસાર, કોરોનાનાં કપરાકાળમાં મ્યુનિ.ની આવકને મોટો ફટકો પડ્યો છે, તેમાંય પ્રોપર્ટી ટેક્સની આવક ધાર્યા પ્રમાણે થઇ નથી. ગત વર્ષથી કોરોનાનો પગપેસારો થયો ત્યારથી મ્યુનિ.ની આર્થિક પરિસ્થિતિ વિકટ બની છે. ચાલુ વર્ષે પણ માર્ચ એપ્રિલથી મ્યુનિ.નું નવું નાણાંકીય વર્ષ શરૂ થાય તેની સાથે સાથે કોરોના કેસ વધવાની શરૂઆત થઇ હતી. શહેરમાં કોરોનાની બીજી લહેરની અસર અતિઘાતક પુરવાર થતાં કોરોના સંક્રમણ અને પોઝિટિવ કેસ ઉપર અંકુશ મેળવવા માટે રાજ્ય સરકારે સરકારી, મ્યુનિ. અને ખાનગી કચેરીઓમાં ૫૦ ટકા હાજરીનો નિયમ જાહેર કર્યો હતો તેમજ આવશ્યક ચીજવસ્તુ સિવાયની તમામ દુકાનો પણ બંધ કરાવી દીધી હતી. રાજ્ય સરકારનાં નિર્ણયને પગલે મ્યુનિ.એ પણ આવકનાં સાધન એવા સીટી સિવિક સેન્ટરોને ૨૭મી એપ્રિલથી બંધ રાખવાનો નિર્ણય લીધો હતો અને લોકોને વિવિધ પ્રકારની સેવા માટે ઓનલાઇન સિસ્ટમનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. જોકે, લાખો લોકો પૈકી ઓનલાઇન સિસ્ટમનો ઉપયોગ કરનારાની સંખ્યા ઓછી હોવાથી અને ઓનલાઇન સિસ્ટમનો ઉપયોગ કરવાનું ફાવતુ ન હોય તેવા નાગરિકો ટેક્સ ભરી એડવાન્સ રિબેટ યોજના વગેરેનો લાભ લેવાથી વંચિત રહેતાં હતા.

આ બાબતે કેટલાય ભૂતપૂર્વ કોર્પોરેટરોએ પણ ફરિયાદ કરતાં જણાવ્યુ હતું કે, ઓનલાઇન સિસ્ટમ કામ કરતી નથી અને લોકો ટેક્સ ભરી શકતા નથી. આ સિવાય કોરોના કાળમાં હજારો નાગરિકોનાં સ્વજનો મરણ પામ્યા છે, તો કપરા સમયમાં નવજાત શિશુઓનાં જન્મ પણ થયાં છે, આથી મરણ અને જન્મનાં પ્રમાણપત્રો કઢાવવા માટે પણ કેટલાય લોકોને ઓનલાઇન સિસ્ટમ અનુકુળ આવી નથી અને લોકો હજુય સિવિક સેન્ટર ક્યારે ચાલુ થશે તેની રાહ જોઇ બેસી રહ્યાં હોવાની રજૂઆતો શાસક ભાજપનાં હોદ્દેદારો તથા પૂર્વ કોર્પોરેટરોને થઇ છે. આથી મ્યુનિ.ભાજપનાં હોદ્દેદારોએ પણ તંત્રનાં અધિકારીઓ સાથે વાત કરીને રાજ્ય સરકારે નિયંત્રણો હળવા કર્યાં છે ત્યારે સિવિક સેન્ટરો પણ ચાલુ કરવામાં આવે તો લોકોને રાહત થાય તેમ જણાવતાં અધિકારીઓએ પણ જો બીજુ કોઇ વિઘ્ન નહીં નડે તો સોમવારથી સિવિક સેન્ટરો શરૂ કરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે.