અમદાવાદ: રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, હવે માત્ર ખૂબજ ઓછા કેસ નોંધાઈ રહ્યા છે. કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકારે નિયંત્રણો ખૂબજ હળવા કરી દીધા છે. બીજીબાજુ કોરોનાના સંભવિત ત્રીજા વેવ પહેલા જ સરકારે આગોતરૂ આયોજન કરીને કોઈપણ સ્થિતિને પહોંચી વળવાની તૈયારી કરી લીધી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વધુ 5 નવા ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યા છે. તેમજ સિવિલ હોસ્પિટલમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની તમામ વ્યવસ્થાથી સજ્જ કરવામાં આવ્યા છે. નર્સિંગ સ્ટાફ પેરેમેડિકલ સ્ટાફને ટ્રેનિંગ આપવાનું સિવિલ હોસ્પિટલમાં શરૂ કરાયું છે. બીજી લહેરમાં સૌથી વધુ ઓક્સિજનની જરૂરિયાત ઊભી થઇ હતી.ત્યારે ત્રીજી લહેરમાં ઓક્સિજનની ઘટ ન સર્જાય તે માટે અગાઉથી ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યા છે.
અમદાવાદની સિવિલ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યુ હતું કે, સિવિલ હોસ્પિટલમાં 5 ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાંથી એક પ્લાન્ટ પીએમ કેર ડીઆરડીઓ પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવામાં આવ્યો છે. ડીઆરડીઓ દ્વારા ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરાયો તેમાંથી 1000 લીટર પર મિનિટે ઓક્સિજનનું ઉત્પાદન કરી શકીશું. તેમજ કુલ 5 ઓક્સિજન પ્લાન્ટમાંથી 2600 લીટર પર મિનિટે ઓક્સિજન ઉત્પાદન થશે.જેના કારણે ઓક્સિજનની ઘટ સર્જાશે નહિ.સાથે સિવિલ હોસ્પિટલમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની તમામ વ્યવસ્થાથી સજ્જ છે.
કૃત્રિમ ઓક્સિજન સાથે સાથે કુદરતી ઓક્સિજન મળે તે માટે સિવિલ હોસ્પિટલમાં 1500 વૃક્ષો વાવવામાં આવ્યા છે. જેના કારણે કુદરતી ઓક્સિજન પણ મળતું રહશે. સિવિલ હોસ્પિટલમાં કુદરતી અને કૃત્રિમ ઓક્સિજન બંને પ્લાન્ટ તૈયાર કરાયા છે.
સિવિલ હોસ્પિટલના સૂત્રે ઉમેર્યું હતુ કે, સંભવિત ત્રીજી લહેરને લઈ તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ઓક્સિજન, દવાનો જથ્થો, બેડ, સહિતની તૈયારીઓ હોસ્પિટલ અને સરકાર દ્વારા કરવામાં આવી છે. તેમજ સ્ટ્રાફ પણ પૂરતો રાખવામાં આવશે. ડોકટરથી લઈ વર્ગ ચારના કર્મચારીઓને ટ્રેનિંગ આપી સજ્જ કરવામાં આવ્યા છે. પરંતુ લોકો જો કોરોનાની ગાઈડલાઈન પાલન કરશે તો ત્રીજી લહેરમાં સંક્રમિત થતા બચી શકીશું.ઘરની બહાર નીકળો છો તો, માસ્ક પહેરો અને સોશિયલ ડિસ્ટન્સનું પણ ખાસ ધ્યાન રાખો. તમામ લોકો કોરોનાની ગાઈડલાઈન પાલન કરશે તો ત્રીજી લહેરથી બચીશું.