Site icon Revoi.in

સિવિલ હોસ્પિટલને બ્રેઇન ડેડ દર્દીના એક લીવર અને બે કીડની નું દાન મળ્યું

Social Share

અમદાવાદઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નવા વર્ષમાં વધુ એક અંગદાન થયું છે.સિવિલ હોસ્પિટલમાં થયેલા આ 172 માં ગુપ્ત અંગદાનની વાત કરીએ તો તારીખ 6 નવેમ્બરના રોજ દર્દીને અકસ્માત થતા માથાની ઇજાના કારણે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા. ‌આધેડ વયના વ્યક્તિને સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલ ના ડોક્ટરોએ તારીખ 8 નવેમ્બરના રોજ બ્રેઇન ડેડ જાહેર કરેલ. ત્યારબાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટરો તેમજ જાણીતા સ્કીન સ્પેશ્યાલિસ્ટ રેખા સોલંકીનાં પ્રયાસોથી દર્દીના પરીવારજનો અંગદાન કરવા સંમત થયા હતા. આ અંગદાનથી સિવિલ હોસ્પિટલને એક લીવર તેમજ બે કીડની નું દાન મળ્યું.

સિવિલ સુપ્રીન્ટેન્ડન્ટ ડો રાકેશ જોષીએ વધુમાં જણાવ્યું હતું કે, દિલ્હી ખાતે  પાંચ નવેમ્બરના રોજ યોજાયેલ 16 માં FICCI એવોર્ડ સમારંભમાં ઓર્ગન ડોનેશન મા ઉત્કૃષ્ટ કામગીરી બદલ સિવિલ હોસ્પિટલ અમદાવાદને નામાંકીત ક્રિકેટર કપીલદેવ નાં હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે જે સિવિલ હોસ્પિટલ તેમજ રાજયના આરોગ્ય વિભાગ માટે ખુબ ગૌરવ ની વાત છે. આ અંગદાન થકી  સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ 558 અંગોનું દાન મળેલ છે. જેના થકી 540 વ્યકિતઓને જીવનદાન મળ્યુ છે.  આ અંગદાનથી દાનમાં મળેલ બે કિડની તેમજ એક લીવરને સીવીલ મેડીસીટી કેમ્પસની કિડની હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે.