Site icon Revoi.in

વિકાસને વેગ આપવા માટે CMએ અમદાવાદ અને સુરતની પાંચ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી

Social Share

ગાંધીનગરઃ  રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિસ્તારોના વિકાસને વેગવંતો બનાવવા અમદાવાદ અને સુરત એમ બે મહાનગરોની પાંચ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. તેમણે ઇઝ ઓફ લિવિંગ વધારવાની નેમ સાથે અમદાવાદ અને સુરત મહાનગરની કુલ ત્રણ  પ્રિલિમિનરી ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂર કરી છે. આ ઉપરાંત ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ-ઔડાની ડ્રાફ્ટ સ્કીમ 413–એણાસણ-મુઠીયા-બિલાસીયાને મંજૂરી આપી છે તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાઇનલ ટી.પી સ્કીમ નં.54 ઓગણજ પણ મંજૂર કરી છે.

રાજ્યના મુખ્યમંત્રીએ ઔડાની જે ડ્રાફ્ટ ટી.પી સ્કીમ નં. 413(એણાસણ-મુઠીયા-બિલાસીયા) મંજૂર કરી છે, તેના પરિણામે સંબંધિત વિસ્તારોમાં રસ્તાઓનું ઝડપી અમલીકરણ શકય બનશે. એટલું જ નહિ, આંતર માળખાકીય સુવિધા પ્રાપ્ત થતાં નાગરિક સુખાકારી કામોને પણ વેગ મળશે. આ ડ્રાફ્ટ ટી.પી સ્કીમમાં કુલ 35.03 હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થવાની છે. તેમાંથી 6.91 હેક્ટર્સમાં 6200 જેટલા EWS આવાસો બની શકશે. બાગ-બગીચા તથા રમત-ગમતના મેદાન અને ખૂલ્લી જગ્યા માટે 5.95 હેક્ટર્સ, જાહેર સુવિધા માટે 6.19 હેક્ટર્સ તથા વેચાણ હેતુસર 15.97હેક્ટર્સ જમીન મળશે.

આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરની જે બે પ્રિલિમિનરી ટી.પી સ્કીમને મંજૂરી આપી છે તેમાં ટી.પી 69-કોતરપુર અને ટી.પી 35 જગતપુરનો સમાવેશ થાય છે. આ બે પ્રિલિમિનરી ટી.પી. સ્કીમ મળીને કુલ 27.04 હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે. પ્રિલિમિનરી ટી.પી. 69 કોતરપૂરમાં 783 જેટલા EWS આવાસો માટે 0.87 હેક્ટર્સ, બાગ-બગીચા તથા રમત-ગમતના મેદાન, ખૂલ્લી જગ્યા માટે 1.86 હેક્ટર્સ, જાહેર સુવિધા માટે 1.73 હેક્ટર્સ અને વેચાણ હેતુસર 4.43 હેક્ટર્સ જમીન મળશે. પ્રિલિમિનરી ટી.પી-35 જગતપુરમાં 3.35 હેક્ટર્સ જમીન 3000 EWS આવાસોના નિર્માણ માટે, 3.81 હેક્ટર્સ જમીન બાગ-બગીચા તથા રમત-ગમતના મેદાન અને ખૂલ્લી જગ્યા માટે, જાહેર સુવિધા માટે 2.59 હેક્ટર્સ અને વેચાણના હેતુ માટે 8.35 હેક્ટર્સ જમીન ઉપલબ્ધ થશે.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની જે પ્રિલિમિનરી ટી.પી સ્કીમ-41 ડીંડોલીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપી છે તેના પરિણામે કુલ 7.34 હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે. આ પ્રિલિમિનરી ટી.પી સ્કીમ-41 ડીંડોલીમાં 1000 EWS આવાસોના નિર્માણ માટે 1.21 હેક્ટર્સ, બાગ-બગીચા તથા રમત-ગમતના મેદાન, ખૂલ્લી જગ્યા માટે 1.22 હેક્ટર્સ, જાહેર સુવિધા માટે 3.43 હેક્ટર્સ અને આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોચી વળવા વેચાણના હેતુસર આશરે 1.47 હેક્ટર્સ જમીન મળશે. આમ, મુખ્યમંત્રીએ મંજૂર કરેલી આ ટી.પી સ્કીમના પરિણામે કુલ 10,900 EWS આવાસો માટે તથા અન્ય વિવિધ હેતુઓ માટે કુલ મળીને 69.41 હેક્ટર્સ જમીન ઉપલબ્ધ થઇ શકશે.  (FILE PHOTO)