ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત@ 2047ના આપેલા વિઝન માટે વિકસિત ગુજરાત@2047નું લક્ષ્ય નિર્ધારિત સમય પહેલાં જ પાર પાડવાનું વિઝન રાખવા જિલ્લા કલેક્ટરો- જિલ્લા વિકાસ અધિકારીઓને પ્રેરક આહવાન કર્યું છે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, વિકાસના દરેક ક્ષેત્રે નંબર વન રહેલું ગુજરાત અમૃતકાળના વિકસિત ભારત@2047ના વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં પણ પોતાના રાજ્યનું વિકાસ વિઝન@2047 તૈયાર કરનારું પ્રથમ રાજ્ય બને તેવી આપણી નેમ છે.
મુખ્યમંત્રી ગાંધીનગરમાં રાજ્યના જિલ્લા કલેક્ટરો-ડી.ડી.ઓ. માટેના વર્કશોપ ઓન વિકસિત ગુજરાત@2047ના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા. આઝાદીના 75 વર્ષમાં દેશ અને રાજ્યનો જે વિકાસ થયો છે તેના પરિપ્રેક્ષ્યમાં અમૃતકાળનો એટલે કે આવનારા 25 વર્ષનો વિકાસ રોડ મેપ કેવો હોય તેના વિઝનના મંથન-ચિંતન માટે આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. નીતિ આયોગના સહયોગથી વિકસિત ગુજરાત@2047 વિઝન ડોક્યુમેન્ટેશન તૈયાર કરવામાં આવી રહ્યો છે તેમાં કલેક્ટરો-ડી.ડી.ઓ.ના લેખિતમાં મળેલા સુઝાવો-સૂચનોની આ વર્કશોપમાં છણાવટ કરવામાં આવી હતી.
રાજ્યના મહેસાણા, વલસાડ, દાહોદ, અને ભાવનગરના જિલ્લા કલેક્ટરો-જિલ્લા વિકાસ અધિકારીઓએ પોતાના જિલ્લામાં તૈયાર થઈ રહેલા પ્રારંભિક વિઝન ડોક્યુમેન્ટનો સારાંશ પ્રસ્તુત કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ તકે કહ્યું કે, વાર્ષિક ચિંતન શિબિર દરમિયાન ધ્યાનમાં આવેલું કે, કલેક્ટર, ડી.ડી.ઓ. જેવા જે પાયાના સ્તરના અને ફિલ્ડ લેવલે કામ કરનારા અધિકારીઓ છે તેમના વિકાસ વિઝન ઇનોવેટિવ અને વ્યાપક જનહિતકારી હોય છે.
આ વિઝનનો રાજ્યના લોકોના ભલા માટે વિનિયોગ વડાપ્રધાન નરેન્દ્રભાઈની સંકલ્પનાનું વિકસિત ભારત@2047 બનાવવામાં થાય તેવા હેતુથી જે સુઝાવો-સૂચનો કલેક્ટર-ડી.ડી.ઓ. પાસેથી મંગાવ્યા છે તેની ભૂમિકા પણ મુખ્યમંત્રીએ આપી હતી.
તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારત@2047 માટે કેટલીક આકાંક્ષાઓ આપી છે. તેમાં સમૃદ્ધિની નવી ઊંચાઈઓ હાંસલ કરવી, ગામડાં અને શહેરો બેયમાં શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ બનાવવી તેમજ અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ વગેરે બાબતોનો સમાવેશ થાય છે.
આ બધું જ ગુડ ગવર્નન્સના ધ્યેય સાથે સાકાર કરવામાં યુવા અધિકારીઓ પોતાના ઇનોવેટીવ આઈડિયાઝ આપે અને અત્યારથી એવું મિકેનિઝમ વિકસાવે કે યોજનાઓના 100 ટકા લાભાર્થી લક્ષ્યાંક, ગ્રીન ગ્રોથ, બેક ટુ બેઝિક, અને મિશન લાઈફ જેવા પ્રધાનમંત્રીશ્રીના સંકલ્પો પાર પડે તેવી પ્રેરણા પણ મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કલેક્ટરો-ડી.ડી.ઓ.ને પ્રજાવર્ગોને સંતોષ થાય તેવી નિષ્ઠાપૂર્વકની કામગીરી માટે પણ સૂચન કરતાં જણાવ્યું કે, હવે અમૃતકાળનું ગુજરાત@2047 કેવું હોય તેના સુઝાવો-સૂચનો પણ તેઓ યોગ્ય સ્તરે સતત આપતા રહે તે જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારત@2047ના વિઝનને સૌ અધિકારીઓના સહયોગ, પુરુષાર્થ અને કર્તવ્ય નિષ્ઠાથી ગુજરાત અવશ્ય સાકાર કરશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ દર્શાવ્યો હતો.
મુખ્ય સચિવ રાજકુમારે આ વર્કશોપનો હેતુ સ્પષ્ટ કરતા પ્રાસંગિક સંબોધનમાં જણાવ્યું કે, આપણે જ્યારે આવનારા વર્ષનો વિકાસ મેપ કંડારતા હોઈએ ત્યારે વીતેલા વર્ષો તરફ પણ દ્રષ્ટિપાત કરવો જરૂરી છે.આ અંગે મુખ્ય સચિવએ 1997-98ના વર્ષમાં 91 હજાર કરોડના GSDP ની સામે હાલ 22.61 લાખ કરોડ GSDP છે એટલે કે અંદાજે 11 ગણો વધારો થયો છે તેની છણાવટ કરી હતી.
તેમણે જણાવ્યું કે, ગુજરાતે વિકાસની જે તેજ ગતિ જાળવી રાખી છે તેમાં સ્થિર સરકાર અને પ્રોત્સાહક નીતિઓ ચાલક બળ બન્યા છે. મુખ્ય સચિવશ્રીએ આવનારા સમયના ડેવલપમેન્ટ સેક્ટર્સ તરીકે સેક્ટરલ ટ્રાન્સફોર્મેશન અને ગ્રીન ગ્રોથ સહિતના વિકાસ માટે જિલ્લા કલેકટરોની સક્રિયતાનો અનુરોધ કર્યો હતો. રાજ્ય સરકારના અધિક મુખ્ય સચિવો,, અગ્ર સચિવો, અને સચિવો આ એક દિવસીય વર્કશોપમાં સહભાગી થયા હતા.