સાયન્સ સિટીમાં ભારતિય વિજ્ઞાન એક્સ્પોનું CMએ કર્યું ઉદઘાટન, વિષયો પર કોન્ફરન્સ યોજાશે
અમદાવાદઃ શહેરના સાયન્સ સીટી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 6ઠ્ઠા ભારતીય વિજ્ઞાન એક્સ્પોને ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત તથા રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ પાનસેરીયા અને અમદાવાદ શહેરના મેયર પ્રતિભા જૈન ઉપસ્થિત રહ્યા હતા. વિજ્ઞાન ભારતી દ્વારા આયોજિત તા.21 ડિસેમ્બરથી તા.24 ડિસેમ્બર સુધી ચાર દિવસીય ચાલનારા સંમેલનમાં વિવિધ વિષયો પર કોન્ફરન્સ યોજાશે.
આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે સૌ પ્રથમ આ સંમેલન માટે વિજ્ઞાન ભારતીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ભારતની સંસ્કૃતિ વિજ્ઞાન સાથે જોડાયેલી છે. વિજ્ઞાન એ ભારતીય સમાજના પાયાનો પથ્થર છે તથા ભારતીય સમાજની જીવનપધ્ધતિ પણ વિજ્ઞાન સાથે જોડાયેલી છે. મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, પ્રાચીન ભારતના વિજ્ઞાનની વાત કરીએ તો, સુર્યમંદિર, ગુજરાતની વાવો, અજંતા ઈલોરાની ગુફા તથા દક્ષિણ ભારતના મંદિરોની કોતરણી અને બાંધકામ જોઈએ તો ખ્યાલ આવે કે કેટલું માઇક્રો પ્લાનિંગ સાથે કામ થતું હતું.
વધુમાં મંત્રીએ ઉમેરતાં કહ્યું કે, આજે ભારત તમામ ક્ષેત્રે દુનિયામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલા વાઈબ્રન્ટ ગુજરાત થકી ગુજરાત વિકાસ મોડેલ બન્યું. આજે સમગ્ર દેશમાં ગુજરાત સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય છે એવું તેમણે ઉમેર્યું હતું.
ડિજિટલ માધ્યમ વિશે વાત કરતાં મંત્રીએ જણાવ્યું હતું કે, ટેક્નોલોજીનો ઉપયોગ જનકલ્યાણ માટે કર્યો હોય તો તે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કર્યો છે. આજે વિધાર્થી હોય કે ખેડૂતો હોય તમામ લોકોને સરકારી યોજનાના નાણાં સીધા બેંક એકાઉન્ટમાં આવી જાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર પણ રાજ્યમાં વિજ્ઞાન ક્ષેત્રે પ્રગતિ થાય તે દિશામાં કાર્ય કરી રહી છે એવું તેમણે ઉમેર્યું હતું.
વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત પાસે બાયોટેકનોલોજી પોલિસી, સેમિકન્ડકટર પોલિસી, ઇલેક્ટ્રોનિક પોલિસી છે આ ઉપરાંત ગુજરાતે સોલાર ક્ષેત્રે પણ મહત્વની કામગીરી કરી છે. આગામી વર્ષોમાં ભારત દેશ આત્મનિર્ભર અને વિશ્વગુરુ બને તે માટે ગુજરાત પોતાનો ફાળો આપવા તૈયાર છે એવું મંત્રીએ ઉમેર્યું હતું. મંત્રીએ કહ્યું કે, આ સંમેલનથી નાગરિકોમાં વિજ્ઞાન પ્રત્યે આકર્ષણ રૂચિ વધશે અને વિદ્યાર્થીઓમાં આકર્ષણ વધશે.
ભારતીય વિજ્ઞાન સંમેલનના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું હતું કે, વિજ્ઞાન ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન પ્રાપ્ત કરીને આપણા વૈજ્ઞાનિકોએ સમાજને હંમેશા કંઈક ને કંઈક ઉપયોગી અને ફાયદાકારક સંશોધન પૂરું પાડ્યું છે. વિજ્ઞાન અને ભારતીય સંસ્કૃતિ સિક્કાની બે બાજુઓ છે એમ તેમણે વધુમાં ઉમેર્યુ હતું.
રાજ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, ગ્લોબલ વોર્નિંગ એ ખૂબ મોટી સમસ્યા છે તેના ઉપર પણ અઢળક રિસર્ચ અને સંશોધન આપણા તેમજ દેશ- વિદેશના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. પર્યાવરણના રક્ષણ માટે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપીને ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીની એક મુહિમ ચલાવી રહ્યા છે, જેમાં આજે લાખો ખેડૂતો જોડાઈ રહ્યા છે. આ અવસરે મંત્રીની ઉપસ્થિતિમાં ‘ઇન્ડિયન નોલેજ’ પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વિજ્ઞાન ભારતીના પ્રમુખ શેખર માંડેએ સ્વાગત પ્રવચન કરતા આ સંમેલનનો પરિચય આપી તેનો ઉદ્દેશ જણાવ્યો હતો. આ ઉપરાંત વિજ્ઞાનને સમાજ સુધી પહોંચાડવા વિજ્ઞાન ભારતી કાર્યરત છે તેવું જણાવ્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરજીએ વિજ્ઞાન ભારતીની શરૂઆત થઈ ત્યારથી આજ દિન સુધીની યાત્રા અને કાર્યપ્રણાલી વર્ણવી હતી. વિજ્ઞાન અને ભારતના સંબંધ વિશે વાત કરતા તેમણે કહ્યું હતું કે, ભારતે ચંદ્રયાન મોકલી વિશ્વને પોતાની ક્ષમતા દેખાડી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ પ્રકારના આયોજનથી દેશની આશા આકાંક્ષાને મજબૂત કરશે.