ગાંધીનગર: બનાસકાંઠાના દિયોદર ખાતે અટલ ભુજલ યોજનામાં કાર્યક્રમ દરમિયાન એક ખેડૂતે પ્રશ્ન પૂછતા ધારાસભ્યના સમર્થકે ઉશ્કેરાઈને ખેડૂત અગ્રણીને લાફો માર્યો હતો. આ ઘટના બાદ ખેડુતો રોષે ભરાયા હતા. અને ધારાસભ્યના રાજીનામાંની માગ સાથે ખેડૂતોએ દીયોદરથી ગાંધીનગર સુધીની ન્યાય યાત્રા યોજવામાં આવી હતી. ન્યાયયાત્રા છઠ્ઠા દિવસે મહેસાણાના ગોઝારીયા ખાતે પહોંચતા પોલીસ કાફલો ખડકી દેવાતા ખેડૂત અગ્રણીએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારતાં જણાવ્યું છે કે, દિયોદરના ધારાસભ્યના રાજીમાનામાં જ સરકાર અને અમારી ભલાઇ છે. બાકી અમે ઉગ્ર આંદોલન કરીશું. ત્યારે પોલીસ દ્વારા અમરા ચૌધરી સહિતના ખેડૂતોને ગાંધીનગર લઇ જવામાં આવ્યા હતા અને મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ ખેડૂતોએ ન્યાયયાત્રા સમેટી લીધી હતી. આમ મુખ્યમંત્રીએ કૂનેહ દાખવીને ખેડુત આગેવાનોને સમજાવી લીધા હતા.
દીયોદરના ભાજપના ધારાસભ્યના રાજીનામાંની માગ સાથે ખેડુતોની નીકળેલી ન્યાયયાત્રા ગાંધીનગર પહોંચે તે પહેલા જ સમાધાન થઈ જતાં યાત્રામાં જોડાયેલા ખેડુતો પોતાના ગામ પરત ફર્યા હતા. ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી સાથેની વાતચીતમાં અમને સંતોષ થયો છે અને અમારી તમામ માગણીઓ ઉપર સુધી પહોંચાડવાની મુખ્યમંત્રીએ ખાતરી આપી છે. સરકારે વિશ્વાસ આપ્યો છે જે થતું હશે એ કરવામાં આવશે. પોલીસ તંત્રએ જવાબ આપ્યો છે કે બનાસકાંઠા સિવાયના અન્ય જિલ્લાના પોલીસ અધિકારીઓ પાસે સમગ્ર કેસની તપાસ કરાવવામાં આવશે. હાલ આંદોલન પાછું ખેંચીએ છીએ, પણ જો ભવિષ્યમાં ન્યાય નહીં મળે તો ફરતી આંદોલન કરીશું. અમારા પર હુમલો કર્યો હતો એ ધારાસભ્યના ઇશારે કરવામાં આવ્યો હતો એટલે એમનું રાજીનામુ લેવામાં આવે એ પ્રકારની અમારી માગણી છે.
અત્રે ઉલ્લેખનીય છે. કે, બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં 7મી ઓગસ્ટે અટલ ભૂજળ જળ યોજના અંતગર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય કેશાજી ચૌહાણ અને અધિકારીઓની હાજરીમાં ખેડૂત આગેવાન અમરાભાઇ ચૌધરીએ દિયોદરના ખેડૂતોની સમસ્યાના સવાલો કર્યા હતા. આ કાર્યક્રમ પૂરો થયા બાદ અમરજી ઠાકોર નામની એક વ્યક્તિએ અમરાભાઈ ચૌધરીને જાહેરમાં બે લાફા ઝીંકી દીધા હતા.
જેનો વીડિયો પણ સોશિયલ મીડિયમાં વાઇરલ થયો હતો. આ મામલે અમરાભાઈએ આક્ષેપ લગાવ્યો હતો કે ધારાસભ્યના સમર્થકે તેમના પર હુમલો કર્યો હતો, જે બાદ હુમલો કરનારી વ્યક્તિ સામે દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. અમરત ઠાકોર સામે ફરિયાદ નોંધાતાં પોલીસે તેની ધરપકડ કરી હતી, જોકે તેને જામીન મળી ગયા છે. ત્યારબાદ ખેડુતોએ ગાંધીનગર સુધીની ન્યાય યાત્રા યોજી હતી.