સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં માવઠું અને અમદાવાદ સહિત શહેરોમાં હવે ઠંડીનું જોર વધશે
અમદાવાદઃ રાજ્યમાં કારતક મહિનો અડધો પૂર્ણ થતાં જ કેટલાક વિસ્તારોમાં માવઠું પડ્યુ હતું. ભર શિયાળે વરસાદી માહોલથી ખેડુતોને પણ ચિંતિત કરી દીધા હતા. હવે વધુ એક વખત અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સાઉદી તરફ જઈ રહી છે. પવનની પેટર્ન દરિયામાંથી પસાર થઈ રહી છે, જેથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં સતત પલટો આવી શકે છે. એ ઉપરાંત વરસાદી ઝાપટાં પડી શકે છે. બીજી તરફ, આગામી ત્રણ દિવસમાં રાજયના અન્ય વિસ્તારોમાં લઘુતમ તાપમાન ગગડતાં ઠંડીનું પ્રભુત્વ વધશે.
રાજ્યમાં હવે બે દિવસમાં ઠંડીનું જોર વધવાની શક્યતા છે. હાલમાંબેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. અમદાવાદ સહિત અનેક જગ્યાએ સવારે ધૂમ્મસ છવાયેલું જોવા મળે છે, તેની સાથે ગુલાબી ઠંડીનો એહસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી બે દિવસ બાદ પવનની દિશા બદલાશે અને ઠંડીનું જોર વધશે તેમજ દરિયામાં પવનની ગતિ તેજ રહેશે. માત્ર દક્ષિણ ગુજરાત સિવાય અન્ય કોઈ વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી નથી. આગામી 3 દિવસ અમદાવાદમાં લઘુતમ તાપમાન 16 ડીગ્રી થવાની સંભાવના છે. હવામાન વિભાગના મતે રાજ્યમાં આગામી 3 દિવસ દરમિયાન તાપમાનમાં 4 ડીગ્રીનો ઘટાડો થતાં ઠંડીના પ્રભુત્વમાં વધારો થશે.
રાજ્યમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે, ત્યારે વરસાદને કારણે થયેલા નુકસાની મુદ્દે કૃષિમંત્રી રાઘવજી પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મહત્ત્વની બેઠક કરી હતી.અને આજે કેબીનેટની બેઠકમાં પણ ચર્ચા કરવામાં આવી હતી.