Site icon Revoi.in

કાલે સોમવારથી ઠંડીમાં ક્રમશઃ ઘટાડો થશે, જો કે, ફ્રેબ્રુઆરીમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે

Social Share

અમદાવાદઃ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે વાતાવરણમાં  પલટો, વાદળછાંયુ વાતાવરણ તેમજ ઉત્તર-પૂર્વ તરફથી ફુંકાતા બર્ફિલા પવનને લીધે ઠંડીએ રેકોર્ડ બ્રેક કર્યો હતો. હવે આવતી કાલે સોમવારથી ક્રમશઃ ઠંડીનું જોર ઘટતું જશે. જોકે ફેબ્રુઆરીમાં વધુ એક ઠંડીનો રાઉન્ડ આવશે. એવું હવામાન વિભાગના સૂત્રો કહી રહ્યા છે.

રાજ્યમાં કોલ્ડવેવની અસરો ઘટતાં અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોના મહત્તમ તાપમાનમાં આજે રવિવારે આંશિક વધારો થયો છે. જોકે અમદાવાદ સહિત 7 શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રી આસપાસ નોંધાયો હતો. સોમવારથી સમગ્ર રાજ્યમાં ગરમીમાં વધારો થવાની શક્યતા હોવાથી ઠંડીનુ જોર ઘટવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવામાન વિભાગના આંકડાઓ મુજબ, રવિવારે અમદાવાદમાં દિવસ દરમિયાન ઠંડા પવનો ચાલુ રહ્યાં હતા. શનિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 0.8 ડિગ્રી વધીને 30 ડિગ્રી નોંધાયું હતું. પરંતુ, લઘુતમ તાપમાન 4 ડિગ્રી જેટલું ગગડીને 9 ડિગ્રી નોંધાયું હતું. જેને લીધે શહેરમાં દિવસ દરમિયાન લોકોએ ઠંડકનો અનુભવ કર્યો હતો. આગામી 24 કલાક શહેરમાં ઠંડીનું જોર યથાવત રહેશે, ત્યારબાદ સોમવારથી ક્રમશ ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા છે.

કોલ્ડવેવની અસરો ઘટતાં રાજ્યના મોટાભાગના શહેરોના રવિવારે મહત્તમ તાપમાનમાં વધારો થતાં ગરમીનો પારો 28થી 32 ડિગ્રી વચ્ચે નોંધાયો હતો. તેમાંય રાજ્યના 6 શહેરોમાં ગરમીનો પારો 30થી 32 ડિગ્રી વચ્ચે નોંધાયો હતો. સમગ્ર રાજ્યમાં 32 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ અને 6.1 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું હતું.

આગામી 24 કલાક દરમિયાન રાજ્યના વાતાવરણમાં મોટા ફેરફાર થવાની શક્યતા નહિવત હોવાથી ઠંડીનું પ્રમાણ રહેશે. પરંતુ, સોમવારથી લઘુતમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા હોવાથી ઠંડીમાં ઘટાડો થશે.