Site icon Revoi.in

યાત્રાધામ અંબાજીમાં 12મી સપ્ટેમ્બરે યોજાનારા ભાદરવી પૂનમ મહામેળા સંદર્ભે કલેક્ટરે યોજી બેઠક

Social Share

પાલનપુરઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં દર વર્ષે ભાદરવી પુનમનો મેળો યોજાઈ છે. આ મેળામાં લાખો લોકો ઉમટી પડતા હોય છે. ત્યારે ભાદરવી પૂનમના મેળા માટે વહિવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા બે મહિના પહેલા જ તૌયારીઓ શરૂ કરી દેવામાં આવતી હોય છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેનનાં અધ્યક્ષસ્થાને મંગળવારે અંબાજી ભાદરવી પૂનમ મહામેળાને લઈને મિટિંગ યોજાઈ હતી. જેમાં ચેરમેને જણાવ્યુ હતું કે, અંબાજી ભાદરવી પૂનમ મહામેળો 12 સપ્ટેમ્બરથી શરૂ થશે અને અંબાજીના મહામેળા દરમિયાન પદયાત્રીઓ માટે સુચારૂ વ્યવસ્થા કરવા જિલ્લા વહીવટી તંત્ર કટિબદ્ધ છે.

યાત્રાધામ અંબાજીમાં દર વર્ષેની જેમ આ વર્ષે પણ 12થી 18 સપ્ટેમ્બર દરમિયાન  ભાદરવી પૂનમના મહામેળાનું આયોજન કરાયું છે. આગોતરા આયોજન માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને કલેક્ટર વરૂણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં મંગળવારે વિવિધ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી. તેમાં જણાવ્યું હતું કે, આ વર્ષે દૂરદૂરથી લાખો પદયાત્રિકો માતાજીના દર્શનાર્થે આવવાની ધારણા છે. અંબાજી આવતા પદયાત્રિકોને જરૂરી તમામ સુવિધાઓ સરળતાથી મળે અને સરસ દર્શન થાય તે માટે કાળજીપૂર્વક કામગીરી થાય તે પ્રકારનું આયોજન કરીએ. આ બેઠકમાં અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક એસ. મોદીએ અંબાજી આવતા સંઘો અને સેવા કેમ્પોની ઓનલાઇન નોંધણી, અંબાજી મંદિર પરિસર અને ગબ્બરમાં દર્શનાર્થીઓ માટે જરૂરી સુવિધાઓ સહિત વિવિધ વ્યવસ્થાઓ, નિ:શુલ્ક ભોજન અને પીવાના પાણીની વ્યવસ્થા, વીજળી, આરોગ્ય, એસ.ટી.બસ સુવિધા, CCTV કેમેરાથી કાયદો અને વ્યવસ્થાની જાળવણી અંગે અધિકારીઓને અવગત કર્યા હતા. (File photo)