ગાંધીનગરઃ ગુજરાતમાં આજે જુનિયર કલાર્કની ભારતી માટેની પરીક્ષા એકંદરે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. હવે આગામી 30મી એપ્રિલે તવાટીની ભરતી માટેની પરીક્ષા યોજાશે. આ પરીક્ષામાં અત્યાર સુધીના સૌથી વધુ 17.50 લાખ ઉમેદવારો નોંધાયા છે. એટલે તમામ ઉમેદવારોની પરીક્ષા માટે વ્યવસ્થા કરવાનું કામ અધરૂં છે. ત્યારે કહેવાય છે. કે, તલાટીની પરીક્ષા માટે ખાનગી કોલેજ સંચાલકો પરીક્ષા કેન્દ્ર માટે પોતાનું કોલેજ બિલ્ડિંગ આપવા તૈયાર નહીં હોવાથી હવે કલેક્ટરોને ચૂંટણીની જેમ પોતાની સત્તાનો ઉપયોગ કરીને કોલેજ બિલ્ડિંગ પરીક્ષા કેન્દ્રના હેતુથી પોતાના હસ્તક લઇ લેવાનો આદેશ કરવા સરકારે સૂચના આપી છે. પૂરતા કેન્દ્રો નહીં મળતા 30મી એપ્રિલે તલાટીની પરીક્ષા યોજવા સામે હાલ પ્રશ્નાર્થ લાગ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં તલાટીની ભરતી માટે 17.50 લાખ ઉમેદવારો નોંધાયા છે. તે તમામ પરીક્ષા કરતા સૌથા વધુ છે. આટલા બધા ઉમેદવારોની પરીક્ષા વ્યવસ્થા ગોઠવવી એ એક પડકારરૂપ કાર્ય છે. કારણ કે કેટલાક કોલેજ સંચાલકોએ પરીક્ષા કેન્દ્રો માટે બિલ્ડિંગ આપવાની ઘસીને ના પાડી દીધી છે. આથી આગામી તા. 10મી સુધીમાં કલેક્ટરો આદેશ કરીને પૂરતા પ્રમાણમાં બિલ્ડિંગ ઉપલબ્ધ કરાવી શકશે તો જ 30મીએ તલાટીની પરીક્ષા યોજાશે.
પંચાયત સેવા પસંદગી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું હતું કે, તલાટીની પરીક્ષા 30 એપ્રિલે લેવાની તૈયારી કરી છે પણ હજુ 17.50 લાખ ઉમેદવારો માટે પુરતા કેન્દ્રો મળ્યા નથી. મુખ્ય સચિવે તાજેતરમાં યોજેલી વિડીયો કોન્ફરન્સમાં સેન્ટરો નિયત કરવાની કામગીરી ડીડીઓના સ્થાને કલેક્ટરોને સોંપી છે. કોલેજો જે બિલ્ડિંગ આપતી નથી તે મેળવી લેવા તેમણે કલેક્ટરોને કહ્યું છે અને તેમણે એવી પણ સૂચના આપી છે કે જો કોલેજો સ્વેચ્છાએ મકાન ન આપે તો ચૂંટણી વખતે મતદાન મથકો માટે ખાનગી મકાનો મેળવવાનો આદેશ જે પ્રકારે કલેક્ટરો દ્વારા આપવામાં આવે છે એ પ્રકારે કલેક્ટરે કાર્યવાહી કરવાની રહેશે.
સૂત્રોના જણાવ્યા મુજબ જિલ્લા કલેક્ટરોએ કોલેજોને આ મુજબની જાણ કરી છે કે, જો તમે સ્વેચ્છાએ સેન્ટરો નહીં આપો તો અમારે આદેશ કરવાની ફરજ પડશે. જેના અનુસંધાને કેટલાક નવા કેન્દ્રો મળ્યા છે છતાં પણ હજું અમુક કેન્દ્રો ખુટે છે. જેથી બોર્ડે કલેક્ટરોને પત્ર લખીને 10મી સુધીમાં કેન્દ્રો ઉપલબ્ધ કરાવવા વિનંતી કરી છે. હવે વધારે સમય આપી શકાય તેમ નથી. 10મી સુધીમાં કેન્દ્રો મળશે તો આ પરીક્ષા 30મીએ લેવાશે અન્યથા પરીક્ષા મુલત્વી રાખવી કરવી પડશે. 10મી સુધીમાં કેન્દ્રો મળે તો 11મીથી ડેટા એન્ટ્રી કરવાની થાય અને 14મી સુધીમાં ડેટા એન્ટ્રી થઈ શકે તો જ 30મીએ પરીક્ષા યોજી શકાય અન્યથા 30મીએ પરીક્ષા નહીં લઈ શકાય. તલાટીની પરીક્ષામાં ઉમેદવારોને સમાવવા માટે સ્કૂલો ઉપરાંત કોલેજોને પણ જોડવામાં આવી રહી છે, પરંતુ કોલેજ સંચાલકો તલાટીની પરીક્ષાને લઇને રસ ઓછો બતાવી રહ્યા છે. અમદાવાદ અને ગાંધીનગરની જીટીયુ સાથે જોડાયેલા 60 જેટલી કોલેજોમાંથી માત્ર 12 કોલેજોએ તલાટીની પરીક્ષાનું આયોજન કરવાની સંમતિ આપી છે. પરીક્ષામાં કોલેજનું બિલ્ડિંગ ન આપવાનું સૌથી મોટું કારણ ઉમેદવારદીઠ ચૂકવાતું માત્ર 3 રૂપિયાનું મહેનતાણું અને જો પેપર લીક થાય તો કોલેજ માટે મુશ્કેલી ઊભી થઇ શકે છે. આથી કોલેજો પરીક્ષા કેન્દ્ર લેવાથી દૂર થઈ રહી છે.