Site icon Revoi.in

ખેડૂતોને માવઠાંથી થયેલા નુકશાની અંગે વળતરની ટૂક સમયમાં જાહેરાત કરાશેઃ કૃષિમંત્રી

Social Share

અમદાવાદઃ રાજ્યમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને પગલે ખેડૂતોના ઉભા પાકને ભારે નુકશાન થયું છે. કમોસમી વરસાદને પગલે ખેડૂતોને થયેલા નુકશાની અંગે સરકાર દ્વારા સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. રાજ્યના 15 જિલ્લાના ખેડૂતોને માવઠાને પગલે ખેડૂતોને નુકશાન થયાનું સામે આવ્યું છે. રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા આગામી દિવસોમાં ખેડૂતોના કમોસમી વરસાદને પગલે થયેલા નુકશાની અંગે સહાય જાહેર કરવામાં આવશે.

રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ જામનગરની મુલાકાતે ગયા હતા. દરમિયાન જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની મુલાકાત લીધા બાદ રાઘવજી પટેલે ખેડૂતો સમસ્યા અંગે ચર્ચા કરી હતી. જે બાદ તેમણે રાજ્યમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો સર્વે કરવામાં આવ્યો છે. હાલમાં માવઠાનો સર્વે પૂર્ણ કરાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ચર્ચા કર્યા બાદ ટૂંક સમયમાં સહાય જાહેર કરવામાં આવશે. કુદરતી આપતી વખતે સરકાર ખેડૂતોની સાથે છે. ખાતર, બિયારણ, ટેકાથી પાકની ખરીદી કરી સરકાર ખેડૂતોની સાથે છે.

જમીન રિ-સર્વે અંગે કૃષિમંત્રીએ જણાવ્યું કે, મને જમીન રિ-સર્વેની અનેક ફરિયાદ મળી છે. રિ-સર્વે માટે મેં કેબિનેટમાં મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી હતી. અધિકારીઓને સૂચના મળે તે માટે  મુખ્યમંત્રી સાથે મુલાકાત કરીશ. CMને મળીને જમીન રિ-સર્વે માટે બનાવેલા પ્રશ્નો રજૂ કરીશ. અત્રે ઉલ્લેખનીય છે કે, માર્ચ મહિનામાં ઉનાળાના આરંભ સાથે સામાન્ય રીતે કાળઝાળ ગરમી પડે છે. પરંતુ ચાલુ વર્ષે માર્ચ મહિનામાં 3 વખત કમોસમી વરસાદ વરસ્યો હતો. જેથી ખેડૂતોના ખેતરમાં ઉભો પાક ધોવાઈ ગયો હતો.