Site icon Revoi.in

રાજ્યમાં શાળાઓ બંધ હોવાથી સ્કુલ વર્ધીના વાહનચાલકોની હાલત કફોડી

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના સંક્રમણને લીધે રોજગાર-ધંધા પર વધુ અસર પડી છે. અમદાવાદ સહિત મહાનગરોમાં રાત્રી કરફ્યુના કારણે હોટલ-રેસ્ટોરન્ટને સૌથી વધુ નુકશાની ભોગવવી પડી રહી છે. કોરોનાના કેસોમાં વધારો થતા શરૂ થયેલી શાળા કોલેજો ફરીવાર બંધ કરવાની નોબત આવી છે. આમ તો છેલ્લા દોઢ વર્ષથી બાળકો ઓનલાઈન  શિક્ષણ મેળવી રહ્યા છે. શાળાઓ બંધ હોવાથી સ્કુલ વર્ધીના વાહન ચાલકો બેકારીનો સામનો કરી રહ્યા છે.  અમદાવાદના 15 હજાર જેટલા સ્કુલ વર્ધીના વાહન ચાલકોએ મદદ માટે સરકારને અરજ કરી છે.

કોરોનાએ અનેક શ્રમજીવીઓની રોજીરોટી છીનવી લીધી છે.  ગુજરાતમાં 80 હજાર કરતાં વધુ વાહનો સ્કૂલ વર્ધીનું કામ કરે છે. બાળકોને સ્કૂલે લઇ જવા અને ઘરે પાછા લાવવાની વર્ધી કરે છે પરંતુ છેલ્લા એક વર્ષથી સ્કૂલો બંધ છે અને ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે ત્યારે આ મોટો વર્ગ બેકાર બની ગયો છે. એકલા અમદાવાદમાં 15000થી વધુ વાહનચાલકો છે કે જેઓ સ્કૂલે જતા બાળકોની વર્ધી લેતાં હોય છે પરંતુ અત્યારે સ્કૂલો બંધ હોવાથી તેમના વાહનો પડી રહ્યાં છે અથવા તો વેચી દીધા છે. કેટલાક ડ્રાઇવરો બેન્ક લોનના હપ્તા ચૂકવી શક્યા નથી તેથી તેમના વાહનો બેન્કોએ જપ્ત કરી લીધા છે. આ તમામ વર્ધી વાહનચાલકો અને માલિકો માટે રાજ્ય સરકારે ખાસ પેકેજની જાહેરાત કરવી જોઇએ. તેવી સ્કુલ વર્ધી એસોએ માગ કરી છે.

ગુજરાતમાં માર્ચ 2020ના અંત સમયમાં કોરોના સંક્રમણ વધી જતાં સરકારે સ્કૂલો અને શૈક્ષણિક સંસ્થાઓને બંધ કરવાનો આદેશ કર્યો હતો. માર્ચ 2021માં આ આદેશને એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છે. ખાસ કરીને ધોરણ-1 થી 10માં અભ્યાસ કરતાં 75 ટકા બાળકો સ્કૂલ વાન કે વાહનનો ઉપયોગ કરતા હોય છે. આ વાહનમાલિકોની હાલત કફોડી બની છે, જો કે તેનાથી વધુ કફોડી હાલત આ વાહન ચલાવતા ડ્રાઇવરોની થઇ છે, કેમ કે વાહન માલિકે ડ્રાઇવરના પગાર બંધ કર્યા છે. આ સંજોગોમાં રાજ્ય સરકાર દરમ્યાનગીરી કરીને જો કોઇ ખાસ પેકેજની જાહેરાત કરે તો સ્કૂલ વર્ધી સાથે સંકળાયેલા લોકોને રાહત મળી શકે તેમ છે.

ગુજરાતમાં ઓફલાઇન શિક્ષણ બંધ છે ત્યારે જેવી હાલત ટ્યુશન ક્લાસના સંચાલકોની છે તેવી હાલત શિક્ષણ સાથે સંકળાયેલા સ્કૂલ વર્ધીના સંચાલકો તેમજ ડ્રાઇવરોની છે. સ્કૂલ સંચાલકોને તો સ્થિતિ ઓફલાઇન હોય કે ઓનલાઇન, તેમને ફી મળી જશે, કેમ કે સરકારે ફી વસૂલ કરવાની સત્તા આપી છે પરંતુ સ્કૂલ વર્ધીના વાહનચાલકોને સરકાર તરફથી કોઇ સહાય કે સહાનુભૂતિ પ્રાપ્ત થઇ નથી.