અમદાવાદઃ કોરોનાને લીધે વેપાર ધંધાને જ નહીં પણ ગુજરાત એસટી નિગમને સારૂએવું નુકશાન થઈ રહ્યું છે. હાલ નિગમ દ્વારા લાંબા રૂટની એક્સપ્રેસ બસો જ દોડવાઈ રહી છે, જેમાં પણ પૂરતા પ્રવાસી મળતા ન હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. જો કે, લોકલ રૂટ પર પૂરતાં મુસાફરો મળે તો જ તાલુકા મથકે બસો દોડાવાય છે. એસ.ટી નિગમની વાતાનુકુલિત લકઝરી બસો તો ખાલી દોડી રહી છે. લોકો મહત્વનું કામ હોય તો જ બહારગામની મુસાફરી કરી રહ્યા છે. એટલે મોટાભાગની એસ.ટી બસ ખાલીખમ દોડી રહી છે.
એસ.ટી નિગમના સૂત્રોના જણાવ્યા મુજબ લોકડાઉનને પગલે મુસાફરોનું આવાગમન મર્યાદિત થઈ જતાં તેમજ હાલની કોરોના મહામારીનું રૌદ્ર સ્વરૂપ જોતાં પ્રવાસીઓ જ મુસાફરી ટાળતા હોવાથી કચ્છ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લામાં ચલાવાતી એસ.ટી.ની એક્સપ્રેસ બસો લગભગ ખાલીખમ દોડી રહી છે, જેના કારણે નિગમને ડીઝલ ખર્ચ પણ માથે પડી રહ્યો છે. બીજી તરફ જિલ્લાના લોકલ રૂટ પર પણ મુસાફરોની અવરજવર ઘટી ગઈ છે, તેમ છતાં તંત્ર દ્વારા વર્તમાન પરિસ્થિતિમાં અંતરિયાળ વિસ્તારના દર્દીઓ, લોકોને મુશ્કેલી ન પડે તે માટે તાલુકા કક્ષાના રૂટ પર બસ દોડવાઈ રહી છે. એસ.ટી નિગમના એક અધિકારીએ જણાવ્યુ હતું કે, હાલની સ્થિતિમાં પ્રવાસીઓની સંખ્યામાં ઘણો ઘટાડો થયો છે, જ્યાં નિયમ મુજબ 35થી 40 ટકા યાત્રિકો આવતા હતા ત્યાં હવે 25થી 30 જેટલા મુસાફરો મળી રહ્યા છે, અત્યારે એક્સપ્રેસના 80થી 85 અને લોકલના 70થી 75 રૂટ પર બસો દોડવાઈ રહી છે. નિગમની એસી લકઝરી બસોની પણ આવી જ હાલત છે. અમદાવાદ-વડાદરા રૂટ્સને બાદ કરતા મોટોભાગના રૂટ્સ પર લકઝરી બસ માટે પુરતા મુસાફરો મળતા જ નથી. આ સ્થિતિમાં એસટી નિગમને ઘણુંબધુ નુકશાન થઈ રહ્યુ છે.